આ તારીખથી કરી શકશો સિંહ દર્શન, પણ વેબસાઈટ પર બુકિંગ કરાવતા પહેલા સાવધાન!
અમદાવાદઃ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચાર મહિના સુધી સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ ગીર વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે ઓનલાઇન બુકિંગ શરૂ થઈ ગયુ છે, પરંતુ બુકિંગ કરતા પહેલા તમારે ખાસ સાવધાની વર્તવાની જરૂર છે.
ચોમાસાની ઋતુ દરમિયાન સાસણ ગીર વન્ય પ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં ચોમાસું વિદાય લેશે ત્યારે સાસણ ગીર ખાતે ઈકો ટુરિઝમ ઝોન નિયત રૂટ પર 16મી ઑક્ટોબરથી પ્રવાસન સ્થળને ખુલ્લું મૂકવામાં આવશે. આ સફારી પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે. દર વર્ષે ગીરનું જંગલ 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. આ સમયગાળો સિંહોનો મેટિંગ પિરિયડ હોવાથી તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સફારી બંધ કરવામાં આવે છે.
બુકિંગ કરતા પહેલા આ જાણી લો
સાસણ ગીર અભયારણ્યની મુલાકાતે આવતા દેશ-વિદેશના નાગરિકો તેમની પ્રવેશ પરમિટ આગોતરા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. આ માટે પ્રવાસીઓ ઓફિશ્યલ વેબસાઇટ girlion.gujarat.gov.in પરથી પરમિટ બુકિંગ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઇન બુકિંગ માટે અન્ય કોઈ વેબસાઇટને અધિકૃત કરવામાં આવી નથી.
જોકે અહીંના અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર જેવી જ વેબસાઈટ સાઈબર ફ્રોડ કરનારાઓ દ્વારા બનાવવામાં આવી છે. એકદમ સરખી લાગતી આ સાઈટ પર તમે બુક કરાવો એટલે તમારા આધાર કાર્ડની વિગતો સહિતની માહિતી માગવામા આવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને વેબસાઈટ વચ્ચેનો ફરક સમજવો અઘરો છે.
તો કઈ રીતે છેતરાવાથી બચશો?
તમે પણ જો 16 ઑક્ટોબર પછી સાસણ ગીરની મુલાકાત લેવાનો પ્લાન કરી રહ્યા હો તો અમે તમને અમુક ટીપ્સ આપી રહ્યા છીએ, જે તમારે બારીકાઈથી ચકાસ્યા બાદ જ બુકિંગ કરાવવું જોઈએ.
- સરકારી જિપ્સીમાં સફારી માટે ઓછું ભાડું વસૂલવામાં આવે છે. 8 સિટવાળી જિપ્સી રૂ.4,500 અને 6 સિટ્સવાળી રૂ.3,500 અને ચાર સિટ્સવાળી રૂ. 2,500માં બુક કરી શકાય છે. પ્રાઈવેટમાં આ ભાડું રૂ. 8000થી 9000 વસૂલવામાં આવે છે.
- સરકારી વેબસાઈટમાં સાસણ ગીર અને આસપાસના પ્રવાસન સ્થળોની માહિતી છે, પરંતુ કનકાઈ મંદિર લઈ જવાની કઈ સુવિધા આપવામાં આવતી નથી જ્યારે પ્રાઈવેટ વેબસાઈટ તે પણ ઓફર કરે છે.
- ઓફિશિયલ પરમિટ પર ક્યુ આર કૉડ છે, પ્રાઈવેટ પરમિટ પર નહીં
- ઓફિશિયલ સાઈટ પર સિંહ સદનમાં રહેવા માટે રિસેપ્શન પર કૉન્ટેક્ટ કરવા જણાવ્યું છે. પ્રાઈવેટમાં લૉકલ નંબર આપ્યો છે.
- એક જીપ્સીમાં જેટલા પ્રવાસી બેસવાના હોય તેમના આઈડેન્ટીટી કાર્ડના છેલ્લા આંકડા ઓફિશિયલ પરમિટ પર દેખાઈ છે જ્યારે પ્રાઈવેટ પરમિટમાં માત્ર એક જ ટૂરિસ્ટનું નામ લખેલું હોય છે.
આ મોટું કૌભાંડ છે?
ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશને વન વિભાગને નોટિસ મોકલી ગેરકાયદે થતા લાયન સફારીના બુકિંગ અંગે સ્પષ્ટતા આપવા જણાવ્યું હતું. આ તપસા દરમિયાન ધ્યાનમાં આવ્યું હતુંકે આ રીતે બુકિંગ કરવાનું એક મસમોટું રેકેટ ચાલી રહ્યું છે, જેમાં ઑનલાઈન પરમિટ આપવાના નામે સ્થાનિક હોટેલ ધારકો ખાનગી વેબસાઈટ મારફતે પ્રવાસીઓને છેતરે છે.
ઘણીવાર હોટેલના સ્ટાફના નામે બુકિંગ થાય છે. સ્ટાફમેમ્બર ચેક પોસ્ટ સુધી પ્રવાસીઓ સાથે આવે છે અને પછી તે ચાલ્યો જાય છે અને પ્રવાસીઓ સફારીની સહેર કરી આવે છે. આ હોટલનો સ્ટાફ કે અન્ય કોઈ વ્યક્તિ પોતાને નામે ટ્રીપ સરકારી વેબસાઈટ પર બુક કરાવે છે. તે ટૂરિસ્ટને ઓરિજિનલ પરમિટ આપતો નથી, પરંતુ પોતાની વેબસાઈટવાળી પરમિટ આપે છે અને ડબલ ભાવ વસૂલે છે. જોકે આ અંગે સત્તાવાર માહિતી આવી નથી, પરંતુ એક મીડિયા અહેવાલના આધારે આ એક મોટો સાઈબર ફ્રોડ હોવાનું કહેવાઈ રહ્યું છે.