Gujarat Tourism: ઉનાળું વેકેશનમાં આ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં વધુ લોકપ્રિય રહ્યું
ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા (Gujarat Tourism) માટે પ્રયાસો કરી રહી છે, રાજ્ય સરકાર ખાસ કરીને નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of unity-SOU)ને પ્રમોટ કરી રહી છે. પરંતુ વર્ષે ઉનાળાના વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોએ ફરવા આવેલા પ્રવાસીઓ અંગેના એક અહેવાલમાં રસપ્રદ માહિતીઓ સામે આવી છે. અહેવાલ મુજબ મે મહિનામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં અમદાવાદના કાંકરિયા તળાવ(Kankaria Lake)માં બમણા કરતાં વધુ પ્રવાસીઓ ફરવા આવ્યા હતા.
આ વર્ષે મે મહિનામાં રાજ્યના ત્રણ મહત્વના ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા અને અંબાજી પછી કાંકરિયા લેકફ્રન્ટ પર સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. સરકારી ડેટા અનુસાર, મે મહિનામાં 2.67 લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, જ્યારે કાંકરિયા તળાવ ખાતે 5.76 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશ માટે માથાદીઠ રૂ. 10 ની ટીકીટ છે; જયારે SOU માટે રૂ. 150 ખર્ચવા પડે છે.
ડેટા અનુસાર, દ્વારકા, અંબાજી અને સોમનાથ મંદિરો, કાંકરિયા તળાવ, પાવાગઢ, SoU, અટલ બ્રિજ, સાયન્સ સિટી, ગીર અને દેવળિયા સફારી, વડનગર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મે મહિનામાં કુલ 48.40 લાખ પ્રવાસીઓ મુલાકતે આવ્યા હતા. મે 2023 માં 42.55 પ્રવાસીઓ આવ્યા હતા, આમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 13.7% નો વધારો થયો છે. ચાર મંદિર નગરો દ્વારકા, અંબાજી, સોમનાથ અને પાવાગઢ ખાતે 34.88 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, દ્વારકામાં 11 લાખ, અંબાજીમાં 9.27 લાખ, સોમનાથમાં 9.25 લાખ અને પાવાગઢ ખાતે 5.33 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
ગુજરાતના ટોચના 11 પ્રવાસન સ્થળોએ એપ્રિલ 2024 કરતા મે 2024માં પ્રવાસીઓની સંખ્યામાં 26%નો વધારો નોંધાયો હતો. ખાસ કરીને દ્વારકા અને સોમનાથમાં યાત્રિકોની સંખ્યામાં મોટો વધારો થયો હતો, એપ્રિલ કરતા મેં મહિનામાં દ્વારકા ખાતે મુલાકાતીઓની સંખ્યામાં 109%નો વધારો નોંધાયો હતો, જયારે સોમનાથ ખાતે 63% નો વધારો નોંધાયો હતો. સમાન સમયગાળા દરમિયાન SOU ખાતે 50.8% નો વધારો નોંધાયો હતો. માહિતી અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આ મે મહિનામાં 35,152 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા.
બુધવારે એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે 1 એપ્રિલ, 2024 થી 10 જૂન, 2024 સુધી, ઉનાળાની રજાઓના સમયગાળામાં 1.35 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના પ્રખ્યાત સ્થળોની મુલાકાતે આવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 17% વધુ છે. સરકારી ડેટામાં પ્રવાસીઓની સંખ્યામાં મેટ્રો રેલ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન માટે વર્ષ 2024-25ના બજેટમાં રૂ. 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.
Also Read –