ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો ઝડપી વિકાસ કરાશે, દરેક જિલ્લાને 10 કરોડની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે. તેમજ પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પ્રવાસન વિકાસ માટે જિલ્લા મુજબ રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવાસન/યાત્રાધામ સ્થાનોને વૈશ્વિક સ્તરે વિકસાવવાનો હેતુ
જેમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસન સંબંધિત સેવાઓ વધુ સુનિયોજિત, આધુનિક અને વૈશ્વિક સ્તર પર તૈયાર થશે, જેના પરિણામે રાજ્યમાં પ્રવાસન સ્થળો વધુ સુગમ બનશે. આ સોસાયટીનો હેતુ પ્રવાસન સ્થળોના સર્વાગી વિકાસ માટે જિલ્લા સ્તરે સમન્વિત, ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાનો છે. તેમજ સ્થાનિક જરૂરિયાતો તથા પ્રવાસન સંભાવનાને આધારે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજન કરવાનો છે. આ ઉપરાંત રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ જિલ્લાના પ્રવાસન/યાત્રાધામ સ્થાનોને વૈશ્વિક સ્તરે વિકસાવવાનો પણ છે.
આ પણ વાંચો : ગુજરાતીઓનો ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોનું બુકિંગ થયો ઘટાડો, જાણો કારણ?
સોસાયટીમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચના
આ સોસાયટીમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચના કરવામાં આવશે. જેમાં કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે. જ્યારે જિલ્લા સ્તરના મહત્વના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રવાસન સંબંધિત સંગઠનો અને બોર્ડના પ્રતિનિધિઓનો સોસાયટીમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. આ સોસાયટી નીતિગત નિર્ણય, આયોજન, ફંડિંગ, પ્રોજેક્ટ્સની સમીક્ષા અને વિકાસનાં કાર્યોની દેખરેખ રાખશે.
આ પણ વાંચો : ગુજરાત ક્રૂઝ ટુરિઝમમાં બનશે નંબર વન: દરિયાકિનારાનો લાભ લઈને ક્રૂઝ પ્રવાસનને મળશે પ્રોત્સાહન…
દરેક જિલ્લામાં રૂપિયા 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે
આ ઉપરાંત વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂપિયા 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. જેમાં CSR ફંડ, યુઝર ફી, ચાર્જીસ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ભંડોળ ઊભું કરવાની સત્તા આપવામાં આવશે. તેમજ સિંગલ નોડલ બેંક ખાતા દ્વારા પારદર્શક નાણાકીય વ્યવસ્થાપન કરવામાં આવશે.
આ પણ વાંચો : ‘ભવ્ય ગુજરાત’ ભારત ગૌરવ ટ્રેન થશે શરૂ: યાત્રાધામો, પ્રવાસન સ્થળોને આવરી લેતી 10 દિવસની ટૂરની સંપૂર્ણ વિગત જાણો
રાજ્યમાં પ્રવાસન સ્થળો વધુ સુગમ બનશે
તેમજ સોસાયટી દ્વારા વિવિધ મુખ્ય પ્રવાસન વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં પ્રવાસન સ્થળોનું બ્યુટીફિકેશન અને માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્વચ્છતા, પીવાનું પાણી, ટોઈલેટ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સાઈનેજ, માહિતી કેન્દ્ર, ગાઈડ તાલીમ અને સ્થાનિક રોજગારી વધારવા કોટેજ, હેન્ડીક્રાફ્ટ, રમતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જ્યારે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસન સંબંધિત સેવાઓ વધુ સુનિયોજિત, આધુનિક અને વૈશ્વિક સ્તર પર તૈયાર થશે, જેના પરિણામે રાજ્યમાં પ્રવાસન સ્થળો વધુ સુગમ બનશે.


