Tourism: સુંદર સાપુતારાને છોડી ગુજરાતીઓ કેમ ફરવા જઈ રહ્યા છે આ સ્થળે?
અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટને લઈને આપેલી છૂટ મામલે ઘણાએ વિરોધ નોંધાવ્યો છે, પરંતુ લિકર પીવાની છૂટ ન હોવાને લીધે ગુજરાતની તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું વારંવાર બહાર આવ્યું છે. આવું જ કંઈક ગુજરાતના અમુક પર્યટન સ્થળો સાથે થઈ રહ્યું છે. જેમકે જૂનાગઢ-વેરાવળ કે સાસણ ગીરમાં રહેવા કરવાનો અનુભવ સારો હોવા છતાં પર્યટકો દીવ ભણી દોટ માંડે છે કારણ કે અહીં લિકર પીવાની છૂટ છે. આવી જ એક બીજી જગ્યા વિશે જાણવા મળ્યું છે જે ગુજરાત નહીં પણ મહારાષ્ટ્રમાં આવેલી છે અને ત્યાં જવા માટે ગુજરાતીઓ લાઈન લગાવે છે. આ જગ્યાનું નામ છે હતગડ.
નાશિક-સાપુતારા રોડ પર આવેલું આ હીલ સ્ટેશન સાપુતારાથી માત્ર છએક કિલોમીટર દૂર છે, પણ ગુજરાતના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે કારણ કે અહીં કુદરતી સૌદર્ય સાથે લીકર પીવાની મોજ પણ માણી શકાય છે. અહીં હજુ સાપુતારા કે અન્ય પર્યટન સ્થળો જેવી સુવિધા નથી, તેમ છતાં લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. આ સાથે જાણવા મળ્યુ છે કે અહીં ગુજરાતીઓ જમીનમાં પણ રોકાણ કરી રહ્યા છે અને હવે હોટેલ્સ, રિસોર્ટ જેવી સુવિધાઓ વિકસી રહી છે.
ગિફ્ટ સિટી બાદ પર્યટન સ્થળોએ પણ સુવિધાઓ વિકસાવવાની માગણી કરવામાં આવે છે. લોકોમાં આ મામલે મતમતાંતર હોઈ શકે, પરંતુ પીનારા અન્ય જગ્યાએ જઈ પીવે છે અને રાજ્યની મહેસૂલી આવક બીજા રાજ્યમાં ઠલવાઈ છે ત્યારે સરકાર પણ અમુક નિર્ણયો લેવા પર વિવશ થતી હોય છે. એ વાત ચોક્કસ કે દારૂ-લીકર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આર્થિક રીતે બધાને પરવડતો ન હોવાથી સરવાળે પરિવારોએ ભીંસ અનુભવવી પડે છે, પરંતુ સમય સાથે અમુક વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોવાનું પણ સમજી શકાય છે.