ગુજરાતની ગ્રામપંચાયતોએ સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો, ‘પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ’માં રાજ્ય મોખરે…

ગાંધીનગર: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2022-23માં ગુજરાત ફરી એકવાર ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્ડેક્સ હેઠળ, દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામપંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 346 ગ્રામપંચાયતોને ‘ફ્રન્ટ રનર’ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે. આ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે.
29 રાજ્યોની 2.16 લાખ ગ્રામપંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
આ સિદ્ધિ સાથે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે એક રાષ્ટ્રીય માપદંડ સ્થાપિત કર્યો છે. આ સાથે સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગ્રામીણ પરિવર્તન પ્રત્યેની રાજ્યની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) એ ભારત સરકાર દ્વારા ડેટા-આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્ય સ્તરે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાને પ્રોત્સાહન આપવા માટેની એક સીમાચિહ્નરૂપ પહેલ છે. આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે, ગરીબીમાં ઘટાડો, આરોગ્ય, શિક્ષણ, પર્યાપ્ત પાણી પુરવઠો, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા નવ મહત્વપૂર્ણ થીમોમાં 435 જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે.
તેલંગણાની 270 ગ્રામપંચાયતો બીજા સ્થાને આવી
PAI માં ગુજરાતનું શાનદાર પ્રદર્શન રાજ્યના સમાવિષ્ટ અને ટકાઉ ગ્રામીણ વિકાસના મોડેલને ઉજાગર કરે છે, જેમાં ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટોચનું પ્રદર્શન કરનાર રાજ્યોની યાદીમાં ગુજરાત પછી તેલંગણાની 270 ગ્રામપંચાયતો બીજા સ્થાને આવી છે. જ્યારે ત્રિપુરાની 42 ગ્રામપંચાયતો ત્રીજા સ્થાને આવી છે. ગુજરાતની કુલ 346 ગ્રામપંચાયતો ફ્રન્ટ રન ર કેટેગરીમાં આવી છે. આ ગ્રામપંચાયતોએ ગુજરાતને ભારતમાં એક આગવી ઓળખ અપાવી છે.
મૂલ્યાંકન કરવામાં આવેલ કુલ 2.16 લાખ ગ્રામપંચાયતો
ગ્રામપંચાયત | સ્થાન | સ્કોર |
699 ગ્રામપંચાયતો | ફ્રન્ટ રનર સ્કોર | 75-90 |
77,298 ગ્રામપંચાયતો | પર્ફોર્મર | 60-75 |
1,32,392 ગ્રામપંચાયતો | મહત્વાકાંક્ષી | 40-60 |
5896 ગ્રામપંચાયતો | શિખાઉ | 40 થી ઓછો |
SDG ને સુસંગત નવ થીમોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ગરીબીમુક્ત અને આજીવિકામાં વધારો કરનારી પંચાયત
- સ્વસ્થ અને તંદુરસ્ત પંચાયત
- બાળકોને અનુકૂળ પંચાયત
- પર્યાપ્ત પાણી પુરવઠો ધરાવતી પંચાયત
- સ્વત્છ અને હરિત પંચાયત
- સ્વ-નિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત
- સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા સાથેની પંચાયત
- સુશાસન ધરાવતી પંચાયત
- મહિલાઓને અનુકૂળ પંચાયત
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાયાના સ્તરે વિકાસલક્ષી અંતરોની ઓળખ કરવા અને દરેક પંચાયત પુરાવા-આધારિત, લક્ષિત નીતિગત હસ્તક્ષેપો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે તેવી અપેક્ષા છે. દરેક ગ્રામપંચાયતે સારી કામગીરી કરવી જોઈએ. ગ્રામપંચાયતનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે જે તે ગામના લોકોને સર્વાંગી વિકાસ કરવામાં આવશે.