Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં TET-1 આપનારાં માટે સારા સમાચારઃ માર્ચ સુધીમાં 5000 શિક્ષકોની ભરતી થશે, જાણો સંપૂર્ણ વિગત…

અમદાવાદઃ ગુજરાતમાં TET-1 આપનારાં માટે સારા સમાચાર છે. માર્ચ સુધીમાં 5000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારનો નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય તેવું સરકારનું આયોજન છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા. તેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સટેન્શનનો સમયગાળો પૂરો થતાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે. જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે.

આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. TET-1 પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જોવામાં આવી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો આ સ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો…ગુજરાતમાં 15 વર્ષે સ્પોર્ટ્સ ટીચરની ભરતી થશે, ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા…

આ કારણે નથી મળતા યોગ્ય ઉમેદવારો

તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, CPEd કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઉભી થઈ છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકિલ્પક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે.

ત્રણ દિવસ પહેલા રાજ્યમાં TET-1ની પરીક્ષા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ છે. સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાવિ શિક્ષકોએ આ પરીક્ષા આપી હતી, જેમાં આ વખતે ઉમેદવારોની હાજરીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું. રાજ્યભરમાંથી કુલ 1,01,518 ઉમેદવારો નોંધાયા હતા.

જેમાંથી 91,627 (90.26%) ઉમેદવારોએ પોતાની પરીક્ષા આપી હતી.માત્ર 9,891 ઉમેદવારો જ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. રાજ્યભરના કુલ 5,081 સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓ પૈકી વડોદરા જિલ્લો હાજરીની બાબતમાં મોખરે રહ્યો છે. વડોદરામાં સૌથી વધુ 92.72% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી (CCTV) નિરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. કસોટી પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પેપરની ગુણવત્તા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button