આપણું ગુજરાત

Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે

અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકારે હવે શિક્ષકો માટે નવો આદેશ જાહેર કર્યો છે. જેમાં હવે શિક્ષકોએ પણ અન્ય કર્મચારીઓની જેમ પોતાની મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. સરકારે શિક્ષકોને પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સુચના આપી છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીપીઈઓ અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધિ ડિક્લેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર રાજય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ પંચાયતના દરેક કર્મચારી/ પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જેના પગલે હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને મિલકતો જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

શિક્ષકોએ પોતાની અને પરિવારજનની મિલકત દર્શાવવી પડશે

ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો-1998ના નિયમ 20 (1)(ક)ની જોગવાઈ અનુસાર, પંચાયતના દરેક કર્મચારીએ, કોઈ પણ સેવા અથવા જગા પર પોતાની પ્રથમ નિમણૂક વખતે વારસામાં મેળવેલી માલિકીની તેના પોતાના નામે અથવા તેના કુંટુંબના કોઇ પણ સભ્યને નામે અથવા બીજી કોઇ પણ વ્યક્તિના નામે પટેથી અથવા ગીરોથી તેણે સંપાદન કરેલી અથવા ધરાવેલી સ્થાવર મિલકત સંબંધી પુરી વિગતો આપતા સરકાર ઠરાવે તેવા પત્રકમાં જિલ્લા પંચાયતને પોતાની જંગમ અકસ્માયતોનું પત્રક સાદર રાખવું પડશે.

રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત તમામ પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક દ્વારા ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા આ ફોર્મ ભરવામાં આવે તે જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે તેમ પણ પત્રમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button