Tarnetar Fair: ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતસુરેન્દ્રનગર

Tarnetar Fair: ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં તહેવાર અને મેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રખ્યાત તરણેતરનો મેળો(Tarnetar Fair)યોજાઈ રહ્યો છે. જેમાં પરંપરા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી.

શોભાયાત્રા બાદ મહાદેવ ત્રિનેત્રેશ્વર મંદિર પર ધ્વજારોહણ
તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં આંટાળી પાઘડી, રંગબેરંગી કેડિયું, ચોરણીમાં સજ્જ પુરુષો જ્યારે પરંપરાગત પરિધાનમાં સજ્જ મહિલાઓ રાસ રમતા-રમતા શોભાયાત્રામાં જોડાઈ હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારી મયુરગીરીએ પૂજાવિધિ કરાવી હતી. જે બાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળા બા, ચાંપરડાના મુક્તાનંદ બાપુ, હરિયાણા ચંદીગઢથી પધારેલા સંપૂર્ણાનંદજી મહારાજ, લખનૌના વિચિત્રાનંદજી મહારાજ, પાળીયાદના ભયલુ બાપુ, સોનગઢના કિશોર બાપુ, અગ્રણી રામકુભાઈ ખાચર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

સંબંધિત લેખો

Back to top button