બેંક એકાઉન્ટ વેચવાના કૌભાંડનો આરોપી દુબઇ ભાગે તે પહેલા મુંબઈ એરપોર્ટથી ધરપકડ
ભુજ: વિશ્વાસમાં લઈને ઓળખીતા ખાતાધારકોની જાણ બહાર તેમનું બેંક એકાઉન્ટ ત્રીજા પક્ષકારને વેચી તેમાં ક્રિકેટ ટુર્નામેન્ટની સટ્ટાબાજીના કરોડો રૂપિયાની નાણાની હેરફેર કરવાના આયોજનબદ્ધ કૌભાંડનો ગાંધીધામમાંથી પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ગત ઓગસ્ટ મહિનામાં પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી હતી, અને આવા અન્ય ક્રિકેટ સટ્ટાકાંડમાં સામેલ અન્ય બે જણને ઉલટ તપાસ માટે ઉઠાવ્યા હતા.
આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે આદીપુરના રાજ દિપક ધનવાણીનું નામ ખૂલ્યું હતું. તે સમયે આરોપી દુબઈમાં ભાગી જતા શોધખોળ હાથ ધરાઈ હતી. દરમ્યાન આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે, જેને કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઓગસ્ટ મહિનામાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસનું ભોગ બનનારા એક ખાતેદારે ધ્યાન દોરતાં હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાંધીધામના નરેન્દ્ર કિશન રાજપૂત નામના આરોપીએ ગાંધીધામના ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના પાંચ લોકો પાસે નવું સીમકાર્ડ લેવડાવી, યુક્તિપૂર્વક તેમના દસ્તાવેજો મેળવી બેંક ખાતા ખોલાવ્યા હતા. આ બેંક ખાતાની કીટ અમદાવાદમાં રહેતા પ્રમોદ ઉર્ફે આશિષ જાંગીરને આપી હતી, જે કીટ આશિષે આદિપુરના રાજ દિપક ધનવાણીને આપી હતી.
આ પણ વાંચો : ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
આ ર૩ બેંક ખાતામાં ૧ર.ર૪ કરોડની માતબર રકમ ઓનલાઈન જમા થઈ હતી. દરમ્યાન મુળ ગાંધીધામના ગુરૂકુળની હાલે અમદાવાદમાં રહેતી હસ્મિતા ઠક્કરની ૧૪ ઓગસ્ટના રોજ ગાંધીધામ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. રિમાન્ડ દરમિયાન તેણીએ જણાવ્યું હતું કે, તે નરેન્દ્ર અને પ્રમોદ સાથે મળીને અલગ અલગ લોકોને લાલચ આપી તેમની પાસેથી મેળવેલી બેંક ખાતાની વિગતો આદીપુરના મુખ્ય આરોપી રાજ ધનવાણીને આપતી હતી અને ર૩ જેટલાં બેંક ખાતામા ૧ર.ર૪ કરોડથી વધુની રકમ ખાતા ધારકોની જાણ બહાર જમા કરાવાઈ હતી.
બેંક ખાતા ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ:
ત્યારબાદ ર૦ ઓગસ્ટના બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ક્રિકેટ સટ્ટાના નાણાની ગેરકાયદે હેરફેર કરવા માટે આઠથી દસ હજાર રૂપિયા આપી બેંક ખાતા ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આદીપુરથી બે શખ્સોની ધરપકડ કરાઈ હતી. જે તે સમયે 44 બેંક ખાતામાં 13.55 કરોડની રકમ ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો હતો. મુંબઈ રહેતા શખ્સને બેંક ખાતા ભાડેથી આપવા બદલ એક ખાતાદીઠ 30 હજાર રૂપિયા કમીશન આપવામાં આવતું હતું. આદીપુરમાંથી નરેશ સંગતાણી અને ભરત નેનવાયાની ધરપકડ થઈ હતી. આ ગુનામાં પણ દુબઇ ભાગી ગયેલા રાજ ધનવાણીનું નામ ખુલવા પામ્યા બાદ તેને ઝડપી લેવા પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.
એરપોર્ટથી ધરપકડ:
આ વોન્ટેડ શખ્સ દિવાળી મનાવવા ભારત આવવા દુબઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની સાથે જ ઈમીગ્રેશનના ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો.
ગાંધીધામ સાયબર ક્રાઈમના પી.આઈ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટના ઈમીગ્રેશન તરફથી સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરાતા પૂર્વ કચ્છથી ટુકડીએ મુંબઈ જઈ ટ્રાન્ઝીસ્ટ વોરંટથી આદીપુરના રાજ દિપક ધનવાણીની ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી નાણાં કયાંથી આવ્યા ? અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અજીતસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.