Suratમાં ચાર કરોડથી વધુની કિંમતના નકલી ગુટખા ઝડપાયા, ત્રણ લોકોની ધરપકડ , બે ફરાર
સુરત : સુરત(Surat) શહેરમાં ચાર કરોડથી વધુના નકલી ગુટખાનો જથ્થો ઝપાયો છે. જેમાં PCB ને બાતમીના આધારે એક એસ્ટેટમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ચાર કરોડ કરતા વધુનો નકલી ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ બે આરોપીઓ ફરાર છે.
પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ
સુરતમાં આરોપીઓ દ્રારા મહારાષ્ટ્રથી નકલી તમાકુ અને ગુટખા લાવીને તેનું વેપારીઓને વેચાણ કરવામાં આવતો હોવાનુ બહાર આવ્યુ છે. સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આ જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ. આ કાંડમા કુલ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ બે આરોપીઓ ફરાર છે. પોલીસે ટ્રક ઝડપીને તેમાથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સારોલી પોલીસ ઉંઘતી રહી
સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પ્રિન્સ એસ્ટેટમાંથી પીસીબીએ દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં મહારાષ્ટ્રથી કન્ટેનર દ્વારા મુદ્દામાલ લાવવામાં આવતો હતો અને વેચાણ કરવામાં આવતું હતુ, અસલ કંપનીનો માલ હોવાનું કહીને નકલી માલ પધરાવી દેવામાં આવતો હતો. ત્યારે અન્ય બે ફરાર આરોપીઓ ઝડપાશે ત્યારે વધુ ખુલાસા થશે.