રવિવારની અશુભ સવારઃ વરરાજાની માતાના મોતથી લગ્ન ફેરવાયા માતમમાં, જાણો રાજ્યમાં થયેલા અકસ્માતો અંગે

અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર સવારની અશુભ શરૂઆત થઈ હતી. અકસ્માતના વિવિધ બનાવોના કારણે રાજ્યના રોડ રસ્તાએ રક્ત રંજિત થયા હતા. રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે વહેલી સવારે 5:00 વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. શક્તિ ધામ ટ્રાવેલ્સ સુરતથી જસદણ તરફ જઈ રહી હતી ત્યારે નાગનેશ ગામ પાસે કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 જણાને ગંભીર ઈજા થતા ધંધુકા એમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતું. નાગનેસ ગામના મઢવી પરિવારના દીકરાના લગ્ન હોઈ, આજે ભાવનગર ખાતે જાન જવાની હતી. દીકરાની માતા રાણપુર બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ નાગનેસ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. વરરાજાની માતાનું ઘટના સ્થળ પર મોત થતાં લગ્ન વાળા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઘાયલ થયા હતા. બસમાં 57 જેટલા બાળકો સવાર હતા. વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Also read: અમદાવાદમાં ખાસ એક્શન પ્લાનથી માર્ગ અકસ્માતોથી બચી 90 માનવ જિંદગી…
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં ચાર લોકોના મોત
કચ્છમાં બનેલી વિવિધ આપઘાત-અકસ્માતની દુર્ઘટનાઓમાં ચાર લોકોના અકાળે મોત થતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મુંદરા તાલુકાના ગુંદાલા ખાતેના તળાવમાં ડૂબવાથી માનસિક રીતે અસ્થિર એવા ૨૭ વર્ષીય જયેન્દ્રગિરિ ઉર્ફે કાનજી હસમુખગિરિ ગુસાઇનું મોત થતાં પરિવાર શોકાતુર થઈ ગયો હતો. માંડવીના ગુંદિયાળીમાં અને સામખિયાળીમાં ૨૨ વર્ષીય પ્રિયેન વેલજી મહેશ્વરી અને ૨૬ વર્ષીય રમગર સંતોષ તરાઇએ ગળેફાંસો ખાઇ તેમના જીવન ટૂંકાવી લીધા હતાં. ગાંધીધામમાં બીમારીથી કંટાળી એસિડ પીનારા કિશોર મોહનભાઇ પીતરિયા નામના ૪૦ વર્ષના પુરુષે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.