આપણું ગુજરાત

ગુજરાતે ફુગાવાને નિયંત્રિત કરવામાં મેળવી સફળતા, રાષ્ટ્રીય સ્તર કરતાં ફુગાવાનો દર ઓછો નોંધાયો…

ગાંધીનગર : ગુજરાત સરકારે આર્થિક વિકાસની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મોટી સફળતા મેળવી છે. રાજ્યએ રાષ્ટ્રીય સ્તરની સરખામણીએ ફુગાવાને દરને નિયંત્રિત કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ 2025 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)પર આધારિત ગુજરાતનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર (રિટેઇલ ઇન્ફ્લેશન રેટ) ફક્ત 2.63 ટકા રહ્યો છે.જે રાષ્ટ્રીય સરેરાશ 3.34 ટકા કરતા 0.71 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઓછો છે. આ દર ઘણા મોટા અને વિકસિત રાજ્યો કરતા પણ ઓછો છે.

રાજ્ય સરકાર વિકાસ અને રોકાણ વધારવા માટે નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નવી નીતિઓ બનાવી રહી છે. જ્યારે બીજી બાજુ નાગરિકો માટે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર કરવા માટે પણ વિશિષ્ટ પ્રયત્નો કરી રહી છે.

ગામડાઓમાં શહેરો કરતા ફુગાવાનો દર ઓછો
ગુજરાત સરકારે નીતિગત પગલાંઓ દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જેના પરિણામસ્વરૂપે માર્ચ 2025 માટે રાજ્યનો ફુગાવાનો દર 2.63 ટકા રહ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61 ટકા રહ્યો. જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ થોડો વધુ એટલે કે 2.70 ટકા રહ્યો. આ બંને આંકડાઓ રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ 3.25 અને રાષ્ટ્રીય શહેરી સરેરાશ 3.43 ટકાની સરખામણીએ ઘણા ઓછા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓના કારણે રાજ્યના ગામડાઓમાં છુટ્ટક વસ્તુઓ સસ્તી થઈ છે અને ગામડાઓમાં શહેરો કરતા મોંઘવારી ઓછી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી તથા ગ્રામ વિકાસલક્ષી છે. જેના કારણે ગામડાઓ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

ગુજરાતનું ફુગાવાને નિયંત્રણમાં શાનદાર પ્રદર્શન
ગુજરાત દ્વારા કાર્યક્ષમ રીતે ફુગાવાના સંચાલનનું આ પરિણામ છે કે રાજ્યએ મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ફુગાવાને નિયંત્રિત રાખવાની બાબતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના આંકડાઓ મુજબ, ઉત્તરપ્રદેશ (3.01 ટકા), બિહાર (3.11 ટકા ), મધ્યપ્રદેશ (3.12 ટકા), રાજસ્થાન (2.66 ટકા), છત્તીસગઢ (4.25 ટકા ), પશ્ચિમ બંગાળ (3.17 ટકા ), કર્ણાટક (4.44 ટકા), મહારાષ્ટ્ર (3.86 ટકા) અને તમિલનાડુ (3.75 ટકા) જેવા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીએ ગુજરાત 2.63 ટકાના દર સાથે ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં અસરકારક રીતે સફળ રહ્યું છે.

આપણ વાંચો : બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું,આ તારીખ પહેલા કરો અરજી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button