
અમદાવાદઃ ગુજરાત સરકારે વડોદરાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)સાથે જોડતા હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણ માટે 381.86 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આ ક્ષેત્રના લોકપ્રિય પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો વચ્ચેના સંપર્કને વધુ સરળ બનાવવાનો છે. આ અંગેની જાહેરાત ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા આયોજિત ભૂમિપૂજન સમારોહ દરમિયાન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
ઓવરબ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે
માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા આ પ્રોજેક્ટમાં રતનપુર, કેલનપુર અને ડભોઈ-શિનોઈ ચાર રસ્તા પર ત્રણ એલિવેટેડ ઓવરબ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે. તે ઉપરાંત થુવાવી પાસે એક અન્ડરપાસ પણ તૈયાર કરાશે. વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓને આ પ્રોજેક્ટથી સમય, પૈસા અને પેટ્રોલની બચત થશે.
4 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યનિટીની મુલાકાત લીધી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી હાઈ સ્પીડ કોરિડોર સહિત આ ક્ષેત્રમાં રિંગ રોડ રૂપે વધુ એક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ધરમપુરી અને ડભોઈ તરફ થઈને પસાર થશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશ વિદેશના 4 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યનિટીની મુલાકાત લીધી હતી