Gujaratમાં આ કારણે આજે કેવડિયા, ગરુડેશ્વર બંધનું એલાન
રાજપીપળા : ગુજરાતના(Gujarat)નર્મદા જિલ્લામાં નર્મદામાં બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ શુક્રવારે ગરૂડેશ્વર અને કેવડિયા બંધનું એલાન આપ્યું છે. તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનાં અંતિમ સંસ્કારનો પણ પરિવારજનો અને આદિવાસી સમાજનાં લોકોએ ઈનકાર કર્યો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ આપ નેતા ચૈતર વસાવાએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
આ અંગે સમગ્ર ઘટનાની વિગતો જોઇએ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમની સાઇટ પર પ્રવેશેલા કેવડિયાનાં બે સ્થાનિક આદિવાસી યુવાનોને સાઇટનાં કર્મચારીએ બંધક બનાવીને ઢોર માર મારતા એક યુવકનું બુધવારે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકનું ગુરુવારે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
બીજા યુવાનનું મોત થતાં બંને મૃતદેહ પીએમ અર્થે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. બે આશાસ્પદ યુવાનોનાં મોતથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો સહિત સમાજનાં લોકોએ ન્યાયની માગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ધર્ષણ
આ મામલે આપ નેતા અને ડોડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા કર્યા છે. ચૈતર વસાવા જૂની સિવિલ હોસ્પિટ પહોંચ્યા હતા અને ત્યાં તેમની પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. તેમજ જ્યા સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસનો આક્ષેપ
આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં બાંધકામ કરનારી એજન્સીના માણસો દ્વારા કોઈ પણ વાંક વગર યુવાનોના કપડા કાઢી, આખી રાત ઢોર માર મારવામાં આવેલ હતા. તેમજ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓ ને બચાવવા FIR માં 6 મજૂરો અને સુપરવાઇઝર નું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.