ગુજરાતમાં અસામાજિક તત્વોની ખેર નથીઃ હવે સ્ટેટ મોનિટરિંગ સેલે તૈયાર કરી યાદી…

અમદાવાદ: ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવા સુચના આપી હતી જેના આધારે રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કુખ્યાત ગુનેગારોની વધુ બે યાદીઓ તૈયાર કરવામાં આવી હોવાના અહેવાલ છે.
SMCએ બનાવી બીજી યાદી
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા હતા. ગુજરાતમાં અસામાજિક તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશને વધારે વેગ આપતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુખ્યાત ગુનેગારોની વધુ બે યાદીઓ તૈયાર કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. SMC દ્વારા બનાવવામાં આવેલી આ યાદીમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો સહિતની અન્ય માહિતી એકત્ર કરવામાં આવી છે. હવે તેના આધારે આ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ‘નકલીઓનો’ રાફડો ફાટ્યો! હવે ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવી ફરનારા બે ગઠિયા ઝડપાયાં
વસ્ત્રાલની ઘટના બાદ કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનું લિસ્ટ તૈયાર કારવાનો પોલીસ વડાએ આદેશ આપ્યો હતો. ત્યારબાદ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે 15 ગુનેગારની એક જુદી યાદી તૈયાર કરી હતી અને તેના આધારે તેમની ગેરકાયદે મિલકતોને શોધીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.