‘અબ કી બાર 3.72 લાખ કરોડને પાર…’: ગુજરાતના આગામી બજેટમાં 11.65 ટકાના વધારાની સંભાવના…
![gujarat finance minister kanu desai presents budget 2025-26](/wp-content/uploads/2025/02/gujarat-budget-2025-26.jpg)
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 મીએ નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. એકંદરે ચાલું નાણાંકીય વર્ષ 2024-25ના કુલ રૂ.3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 11.65 ટકા જેટલો વધારો કરીને વર્ષ 2025-26 માટે રૂ.3.72 લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ થાય તેવી સંભાવના છે.
Also read : અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
10 ટકા જેટલો વધારો થવાની શક્યતા
દર વર્ષે સરકાર પોતાના બજેટમાં આગલા વર્ષની સાપેક્ષે 15થી 20 ટકાનો વધારો કરે છે. આગામી બજેટ સામાજિક ક્ષેત્ર તથા આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે દિશામાં જોગવાઈઓ ધરાવતું રહેશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પાણી પુરવઠા, સિંચાઇ સહિતના કેટલાક મહત્ત્વના ક્ષેત્રને મળતી જોગવાઈઓમાં 10 ટકા જેટલો વધારો થાય તેવી શકયતા છે. વસ્તુત: આગામી બજેટ પણ ગયા વર્ષના અંદાજપત્રની માફક યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને તૈયાર કરાશે.
આ વર્ષે 2.99 લાખ કરોડનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહેસૂલી આવક રૂ.2.29 લાખ કરોડ અને મૂડી આવક રૂ.69,709 કરોડ મળીને કુલ આવક રૂ. 2.99 લાખ કરોડનો અંદાજ મૂકાયો હતો. તેની સામે મહેસૂલ ખર્ચ રૂ.2.20 લાખ કરોડ અને મૂડી ખર્ચ રૂ.75 હજાર કરોડ મળીને કુલ રૂ.2.95 લાખ કરોડ દર્શાવાયો હતો. બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે રવિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાણાપ્રધાન કનુ દેસાઈ, મુખ્ય સચિવ પંકજ જોષી અને ટોચના અધિકારીઓની બેઠક મળશે. વિવિધ વિભાગો દ્વારા રજૂ થયેલી દરખાસ્તોની સમીક્ષા કરી જરૂર લાગે તો તેમાં ફેરફાર બાદ તેનો આખરી ડ્રાફ્ટ તૈયાર થશે.
Also read : ગુજરાતમાં સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ માટેની માર્ગદર્શિકા થઈ તૈયાર, થોડા દિવસમાં થશે જાહેર
ગુજરાત સરકારની એપ્રિલથી ડિસેમ્બર-2024 સુધીના 9 મહિનામાં મહેસુલી આવક રૂ.1.54 લાખ કરોડ થઇ છે જે અંદાજાયેલી કુલ મહેસુલી આવકના 67 ટકા જેટલી છે. જ્યારે મૂડી આવક સહિતની કુલ આવકમાં 57 ટકાના ઘટાડા સાથે રૂ.1.70 લાખ કરોડની આવક થઇ છે. બીજી બાજુ કુલ ખર્ચ રૂ.2.95 લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો. તેની સામે 9 મહિનામાં 1.68 લાખ કરોડ સાથે અંદાજ સામે 57 ટકા ખર્ચ થયો છે. આ જોતાં ચાલુ વર્ષ માટે સરકારે મુકેલા ખર્ચ અને આવકના લેખાજોખા જળવાયા નથી.