ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડ પર બ્રેક: હવે દરેક ઓપન પ્લોટ દસ્તાવેજની થશે 100% ચકાસણી

ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કૌભાંડ થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જે મુજબ બાંધકામવાળી મિલકતો હોય અને તેને પ્લોટ (ખુલ્લી જમીન) જણાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હતી. આ ગેરરીતિને અટકાવવા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા રાજ્યના દરેક સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન નાયબ કલેક્ટરને એક પત્ર લખી સૂચના આપવામાં આવી હતી.
તમામ દસ્તાવેજોની થશે ચકાસણી
જે મુજબ સ્ટેમ્પ ડ્યૂટીની મહેસૂલી આવકની ચોરી થતી અટકાવવા માટે તા.1 જૂનથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલા તમામ દસ્તાવેજોની 100 ટકા ચકાસણી કરવાની રહેશે. તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની મિલકતોના અક્ષાંશ અને રેખાંશ આધારે સ્થળ તપાસ કરવાની રહેશે. ઓપન પ્લોટના અનેક દસ્તાવેજો થઈ ગયા બાદ આખરે સરકારી તંત્રની આંખ ઉઘડી હતી.
આ પણ વાંચો: પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થશે સસ્તું! સ્ટેમ્પ ડ્યુટી પર છૂટ આપવાનો સરકારનો વિચાર
કેમ આપવામાં આવ્યો આદેશ
સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા અગાઉ તમામ નાયબ કલેક્ટર કચેરીઓને ઓપન પ્લોટ તરીકે નોંધાયેલા દસ્તાવેજોની રેન્ડમ ચકાસણી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ આ સૂચનાનું પાલન કરાતું ન હોવાથી પક્ષકારો બાંધકામવાળી મિલકતના દસ્તાવેજ ઓપન પ્લોટ તરીકે નોંધણી કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ગાંધીનગરની વડી કચેરી દ્વારા કડક આદેશ કરવામાં આવ્યા હતા.
ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની ચકાસણી તેમ જ સ્થળ તપાસ સબ રજિસ્ટ્રાર કચેરીના કચેરી અધિક્ષક તેમ જ સ્ટેમ્પ નિરીક્ષકે કરવાની અને તમામ દસ્તાવેજોની ચકાસણી થઈ છે કે નહીં તેની ખાત્રી અને મોનિટરિંગ નાયબ કલેક્ટર કરશે.