ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકા સુધીનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સાત હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો હતો.
આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્ર્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્ર્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા. મંગળવારે એસ.ટી. વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર પ્રધાન વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી. નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી. નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર પ્રધાનનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું.