દિવાળીના મહાપર્વ પર ગુજરાત ઝળહળી ઉઠ્યું: ભુજથી લઈ દ્વારકા અને અક્ષરધામ મંદિરમાં દિવ્ય રોશનીનો વૈભવ...
આપણું ગુજરાત

દિવાળીના મહાપર્વ પર ગુજરાત ઝળહળી ઉઠ્યું: ભુજથી લઈ દ્વારકા અને અક્ષરધામ મંદિરમાં દિવ્ય રોશનીનો વૈભવ…

ગાંધીનગરઃ પ્રકાશના પર્વ દીપાવલી નિમિત્તે સમગ્ર ગુજરાત દિવ્ય રોશનીના વૈભવથી ઝગમગી ઉઠ્યું હતું. રાજ્યભરમાં ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ ભવ્ય સજાવટ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભક્તિ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. કચ્છમાં ભુજથી લઈને દ્વારકા તેમ જ અક્ષરધામથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોશનીના ઝગમગાટ જોવા મળ્યો હતો.

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરને દિવાળી પર્વ નિમિત્તે રંગબેરંગી લાઈટોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. મંદિરના શિખરથી લઈને પરિસર સુધીની રોશની એટલી દિવ્ય છે કે જગતમંદિર ૧૦ કિલોમીટર દૂરથી પણ ઝગમગતું નિહાળી શકાયું હતું. આ અલૌકિક માહોલમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો.

ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં પણ ૨૬ ઓક્ટોબર સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૩ વર્ષની પરંપરા મુજબ ગઈકાલે રાત્રે ૧૦,૦૦૦થી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર પરિસર દીપી ઊઠ્યો હતો. અહીંના ૪૯ ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિ, ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’ જેવા આકર્ષણો શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભવનું કેન્દ્ર બન્યા હતા.

આ ઉપરાંત, અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર પણ વોર્મ વ્હાઇટ લાઈટ્સની વિશેષ રોશનીથી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યાં રાત્રે પણ દિવસ જેવો નજારો જોવા મળી રહ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજમાં આવેલા વડવાળા દેવ મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું હતું. કચ્છના ભુજ શહેર ખાતે ૫૧ હજાર દીવડાઓની હારમાળા સાથે સ્મૃતિવન ઝળહળી ઊઠ્યું હતું. જ્યારે અમદાવાદનો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ પણ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા, જેનો મંત્રમુગ્ધ કરી દેતો આકાશી નજારો જોવા મળ્યો હતો.

આગામી રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ – ૨૦૨૫’ની ભવ્ય શરૂઆત થઈ હતી. ૧૫ નવેમ્બર સુધી ચાલનારા આ પર્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭.૬ કિલોમીટરમાં કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે. પ્રવાસીઓ આ ભવ્ય ઉજવણીને વિનામૂલ્યે નિહાળી શકશે. સમગ્ર ગુજરાતમાં દીપોત્સવનો આ માહોલ ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો…વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button