એનસીઈઆરટી પછી ગુજરાતના અભ્યાસક્રમમાં 'સ્વદેશી' અને 'આત્મનિર્ભરતા'ના પાઠ ઉમેરાશે...
Top Newsઆપણું ગુજરાત

એનસીઈઆરટી પછી ગુજરાતના અભ્યાસક્રમમાં ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભરતા’ના પાઠ ઉમેરાશે…

અમદાવાદ: સરકાર દ્વારા છેલ્લા થોડા સમયથી મેક ઈન ઈન્ડિયા કેમ્પેનને વેગીલું બનાવાયું છે. નાગરિકો દેશમાં જ બનેલી વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે તે માટે આ કેમ્પેન શરૂ કરાયું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા સ્વદેશી પરના વિશેષ શૈક્ષણિક મોડ્યુલો બહાર પાડ્યા બાદ, ગુજરાત સરકાર પણ શાળા શિક્ષણમાં આ વિષયના પાઠ રજૂ કરે તેવી સંભાવના છે.

આ પહેલ વડા પ્રધાન મોદીના સ્થાનિક સ્તરે ઉત્પાદિત માલને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના આહ્વાન સાથે સુસંગત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભ્યાસક્રમમાં સ્વદેશીના પાઠ દાખલ કરવા અંગેના વહીવટી વિકાસ પેન્ડિંગ છે, પરંતુ તે આવતા શૈક્ષણિક વર્ષ માં શાળાના અભ્યાસક્રમમાં ઉમેરી શકાય છે.

ગયા મહિને, એનસીઈઆરટીએ ‘સ્વદેશી વોકલ ફોર લોકલ’ અને’સ્વદેશી – ફોર અ સેલ્ફ-રિલાયન્ટ ઇન્ડિયા’ મોડલ લૉન્ચ કર્યા હતા. આ પ્રકાશનોમાં 1905થી આજ દિન સુધીના આત્મનિર્ભર ભારતના મૂળને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં વિદેશી માલના ઐતિહાસિક બહિષ્કારને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલો સાથે જોડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એનસીઈઆરટીની માર્ગદર્શિકા સંપૂર્ણપણે અપનાવવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓ ગુજરાતના ઉદાહરણો અને અન્ય દાખલાઓનો ઉપયોગ કરીને સ્વદેશી ખ્યાલો શીખશે. ગુજરાતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત માલને પ્રોત્સાહન આપવામાં મહાત્મા ગાંધીની ભૂમિકા, વિશ્વ યુદ્ધો પછી આ ખ્યાલ અપનાવનારા દેશોના ઉદાહરણો અને સ્થાનિક ઉત્પાદનોથી સમાજને કેવી રીતે ફાયદો થયો તેના ઉદાહરણો શીખવવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, હાલમાં એનસીઈઆરટીના મોડ્યુલોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સ્વદેશી અને ‘આત્મનિર્ભરતા’ના ખ્યાલો શીખવવાની જરૂરિયાત પર પ્રતિસાદ એકત્રિત કરી રહ્યા છીએ. ઘણી શાળાઓ અને વિદ્યાર્થીઓ પહેલાથી જ આત્મનિર્ભરતાના ખ્યાલોથી પરિચિત છે. શિક્ષણ વિભાગ એનસીઈઆરટી મોડ્યુલોનો વિગતવાર અભ્યાસ કર્યા પછી હિતધારકો સાથે ઔપચારિક પરામર્શ શરૂ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે કયા વિષયના પાઠ્યપુસ્તકોમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સમાવેશ કરવામાં આવશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો…ગુજરાત હાઇ કોર્ટે શિક્ષણ વિભાગના બે ટોચના અધિકારીઓને કોર્ટના અનાદર બદલ નોટિસ ફટકારી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button