ક્યાંથી ભણશે ગુજરાત, રાજ્યમાં 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
અમદાવાદઃ દેશના સૌથી સમૃધ્ધ રાજ્ય ગણાતા ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડાની પ્રાથમિક શાળાઓ બંધ થતાં વિદ્યાર્થીઓના ભણતર ગંભીર અસરો થઈ છે, એક તરફ શાળાઓ બંધ થઈ રહી છે જ્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ પણ ચિંતાનો વિષય બન્યો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડાયસ 2023-24ના હાલના રિપોર્ટમાં જાહેર થયેલા આંકડા મુજબ, ગુજરાતમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી શાળોઓની સંખ્યા 2,462 શાળાઓ છે. આવી એક જ શિક્ષકવાળી શાળાઓમાં હાલ 87,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં 274 શાળાઓ એવી પણ છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં આવી શાળાઓમાં 382 શિક્ષકો છે. રિપોર્ટ મુજબ દેશમાં એક શિક્ષકથી ચાલતી સૌથી મધ્યપ્રદેશમાં છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત દેશમાં 16મા ક્રમે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 9 નગરપાલિકા બનશે ‘મહાનગરપાલિકા’: જાણો શું થશે ફાયદો?
કેટલા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 53,626 શાળાઓમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં કુલ 3.94 લાખ શિક્ષકો છે, જે પૈકી 56 ટકા (2.21 લાખ) મહિલા શિક્ષિકાઓ છે. તે જ પ્રકારે રાજ્યના શિક્ષકોની ક્વોલિફિકેશનનું સ્તર પણ કથળ્યું છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ ‘સ્ટેટ ઑફ ટીચર્સ ટીચિંગ ઍન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા 70 ટકા શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી.
એક શાળામાં સરેરાશ વિદ્યાર્થીઓ અને શિક્ષકની કેટલી છે સંખ્યા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડાયસ 2023-24ના હાલના રિપોર્ટ મુજબ, રાજ્યમાં શાળાઓની કુલ સંખ્યા 53,626 અને વિદ્યાર્થીઓની સંખ્યા 1,14,96,709 છે, રાજ્યમાં 3,94,054 કુલ શિક્ષકો છે, 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો છે. સરેરાશ એક શાળામાં શિક્ષકની સંખ્યા 7 જેટલી છે. જ્યારે સરેરાશ એક શાળામાં 214 વિદ્યાર્થીઓની સંખ્યા છે.