ગુજરાતમાં હવે શાળા સહાયકની પણ આઉટસોર્સથી ભરતી કરાશે, જાણો વય મર્યાદા…

અમદાવાદઃ રાજ્યની સ્કૂલોમાં થતી કરાર આધારિત ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને ઘી-કેળા કરાવવા માટે ડિસેમ્બર 2021માં ઘડાયેલા તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. જે મુજબ, સિક્યુરિટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં શાળા સહાયક આઉટસોર્સથી ભરવામાં આવશે. રૂપિયા 21,000ના માસિક પગારથી 300થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં સહાયકની નિમણૂક કરવામાં આવશે. ઓછી સંખ્યા હશે તો ભૌગોલિક વિસ્તારને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
Also read : કચ્છના છારીઢંઢમાં વિસ્તારમાં 25 કુંજ પક્ષીનો શિકાર; પોલીસે શિકારીનો પીછો કર્યો પણ…
રાજ્યની સરકારી અને ગ્રાન્ડેટ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યામાં 11 માસના કરાર આધારિત શિક્ષક નિમવામાં આવે છે. વર્ષ 2023 સુધી કરાર આધારિત શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે ઓળખવામાં આવતા હતા અને તેઓની નિયુક્તિ જિલ્લા કક્ષાએ થતી હતી. વર્ષ 2023માં પ્રવાસી યોજનામાં ફેરફાર કરી વેતનના વધારા સાથે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી હતી.
આ યોજના શરૂ થાય તે પહેલા ડિસેમ્બર 2021માં તત્કાલિન શિક્ષણ પ્રધાન દ્વારા પ્રવાસી શિક્ષકોને 27000 જેટલું વેતન આપવાની જાહેરાત કરી હતી. તે સમયે આખી યોજના ઘડાઈ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર લાગુ થઈ શકી નહોતી. આ પછી જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી. જેમાં કેન્દ્રીયકૃત ભરતી અત્યારે થાય છે. જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં કરાર આધારિત શિક્ષણ સહાયક ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરવામાં આવશે.
Also read : ગુજરાતમાં મંત્રીઓને મળી હોળી ભેટ, પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો…
કેટલી રહેશે વય મર્યાદા
શિક્ષણ સહાયકની નિમણૂકમાં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક સહિત બીએડની ડિગ્રી હોવી ફરજીયાત છે. એજન્સી દ્વારા પસંદ થનારા ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ફાળવ્યા છે કે કેમ એ જોવાની સંપૂર્ણ જવાબદારી તાલુકા અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીની રહેશે. કામગીરી યોગ્ય ન હોય તો નોટિસ આપ્યા વગર જ છૂટા કરી શકાશે. આ નવી બાબત મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે 2027-28 સુધી રહેશે. આ પછી વિચારણા કરાશે.