સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી!

અમદાવાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદી ગતિવિધિ જોરદાર રહી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલીમાં અમુક સ્થળોએ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. જોકે, કચ્છ માં હવામાન સૂકું રહ્યું હતું.
તાપમાનની વાત કરીએ તો, રાત્રિના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો અને તે ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઘણું વધારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સામાન્યથી ઘણું વધારે અને બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું હતું. ભુજ અને નલિયા માં મહત્તમ તાપમાન ૩૨°સે. અને નલિયા માં લઘુત્તમ તાપમાન ૨૧°સે. નોંધાયું હતું.
હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ માં તેમજ કચ્છ જિલ્લામાં પણ મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દમણ, દાદરા અને નગર હવેલી, અને દીવમાં પણ અનેક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ – સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મોટાભાગના સ્થળોએ વરસાદની સંભાવના છે.
કયા જિલ્લામાં પડશે વરસાદ?
હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી પણ વ્યક્ત કરી છે. ગુજરાતના અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે.



