આપણું ગુજરાત

ગુજરાતના સાણંદ ખાતે 23મી માર્ચે વીર સપૂતોની યાદમાં Viranjali કાર્યક્રમ યોજાશે

સાણંદ: ગુજરાતમાં આગામી 23મી માર્ચના રોજ સાણંદમાં ભવ્ય વીરાંજલિ(Viranjali)યોજાશે. શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવારજનો ઉપસ્થિત રહેશે. છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં આવે છે. 1931ના રોજ માતૃભૂમિ ખાતર શહિદ થયેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજો દ્વારા આ દિવસે ફાંસી અપાઈ હતી.

આ પણ વાંચો: શહીદ ભગતસિંહ ક્રાંતિકારી નહીં, પણ…: પાકિસ્તાનની કોર્ટની ‘નાપાક’ હરકત અંગે ભારત લાલઘૂમ…

ગુજરાતમાં દેશભક્તિનો એક અનોખો જૂવાળ ઉભો થયો

આ વર્ષે 23 માર્ચ 2025નાં રોજ વીરાંજલિ સમિતિ દ્વારા આયોજિત વીરાંજલિ 2.0 નામે એક મેગા મલ્ટીમીડીયા શો રજૂ કરવામાં આવશે. છેલ્લા અનેક વર્ષોથી વીરાંજલિ સમિતિ ડાયરાના માધ્યમથી લોકોને શહિદો અને ક્રાંતિવીરોની વાતોને લોકો સુધી પહોંચાડતું આવ્યું છે. વર્ષ 2022થી આ કાર્યક્રમે એક મેગા મ્યુઝિકલ ડ્રામાનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં 100 કલાકારો દ્વારા ક્રાંતિવીરોની દાસ્તાનને એક અલગ રીતે રજૂ કરાયું છે. આ કાર્યક્રમથી સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનો એક અનોખો જૂવાળ ઉભો થયો છે.

વીરાંજલિ એટલે ભારોભાર દેશભક્તિ

લોકસાહિત્ય અને હાસ્યકાર સાંઇરામ દવેથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આજ સુધીમાં હાસ્યના કે લોકસાહિત્યના તેના કાર્યક્રમો લોકોએ નિહાળ્યા છે.પરંતુ વીરાંજલિ એટલે ભારોભાર દેશભક્તિ. સ્વતંત્રતાના સંગ્રામમાં જે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે તેઓની મુઠ્ઠી ઉંચેરી વાતો. વીરાંજલિ પાર્ટ વન જ્યારે ભજવાયો ત્યારે વાહ વાહ ના પોકારો સાથે કલાકારોને વધાવાયા હતા.

સાંઇરામ દવેના કહેવા પ્રમાણે વીરાંજલિ 2.0 એ આહ ના અવાજ સાથે કલાકારોને વધાવશે

આ અંગે સાંઇરામ દવેના કહેવા પ્રમાણે વીરાંજલિ 2.0 એ આહ ના અવાજ સાથે કલાકારોને વધાવશે. કહેવાય છે ને કે ક્રાંતિ કોઈ એક વ્યક્તિથી શરૂ થાય છે કોઈ એક વિચાર સમાજમાં ઉગે અને પછી વટ વૃક્ષ થાય. તે જ રીતે સાઈરામનો પોતાનો અનુભવ તેની જ શાળા નચિકેતા માં નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો એક પ્રશ્ન કે “ભગતસિંહ ગુજરી ગયા તો એમાં અમારે શું?” અને જન્મ થયો દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ શહીદ સ્મૃતિ સન્માન અને નવી પેઢીને સમજણ આપતો વીરાંજલી કાર્યક્રમનો.

વીર વિનોદકિનારીવાલાના પરિજનો પણ અતિથિ વિશેષ તરીકે

આ કાર્યક્રમમાં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ(ચંદીગઢ) સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર (સોનાપત) તેમજ રાજગુરુજીના સ્વજન સત્યશીલ રાજગુરુ, દુર્ગાભાભીના ભત્રીજા જગદીશ નારાયણ તેમજ વીર વિનોદકિનારીવાલાના પરિજનો પણ અતિથિ વિશેષ તરીકે વીરાંજલિ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહેશે.

કોરિયોગ્રાફી કુલદીપ શુક્લએ કરી

આ સમગ્ર કાર્યક્રમની પટકથા સાંઈરામ દવેએ લખી છે. ડિરેક્ટર વિરલ રાચ્છ દ્વારા તેનું દિગ્દર્શન થયું છે. તેમજ પાર્શ્વગાયક કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, હિમાની કપુર તેમજ સાંઈરામ દવેએ પોતાનો સ્વર આપ્યો છે. પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્યું છે તથા કોરિયોગ્રાફી કુલદીપ શુક્લએ કરી છે.

કાર્યક્રમ તદ્દન નિઃશૂલ્ક રહેશે

આ કાર્યક્રમ તદ્દન નિઃશૂલ્ક રહેશે પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે. છેલ્લા 17વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિનું આયોજન દર વર્ષે થાય છે. જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો આ કાર્યક્રમમાં રજૂ થશે. રાષ્ટ્રપ્રેમથી છલકતા ગીત-સંગીત અને અભિનયને માણવા માટે ગુજરાતની દેશભક્ત જનતાને બહોળી સંખ્યામાં પધારવાનું વીરાંજલિ સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button