Vibrant Gujarat 2024 : ગ્રામ સડક યોજના માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
ગાંધીનગર: આજે વાઈબ્રન્ટ સમિટ-2024ના અંતિમ દિવસે ન્યૂ ડેવલપમેન્ટ બેંક(NDB) અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના માટે NDB ગુજરાત સરકારને 500 મિલિયન ડોલરની લોન આપશે.
આ ઉપરાંત ગ્રામીણ માર્ગો માટે રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી અપનાવવા, પર્યાવરણ સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને NDB નોલેજ સપોર્ટ આપશે. NDB રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજે 1,200 કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટીક, જીઓ ટેક્ષટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરેનો માટે મદદ કરશે. પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ બારમાસી રોડનું બાંધકામ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં NDBના વાઇસ પ્રેસિડેન્ટ વ્લાદીમીર કાઝબેકોવ અને ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના ઇન્ડીયન રિજીયન ઓફિસના ડીરેક્ટર જનરલ ડી.જે.પાંડિયને ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન, ક્લાયમેટ ફાયનાન્સીંગ તથા સર્વિસીઝ સેક્ટર્સ અંગે ચર્ચા કરી હતી.
બ્રિક્સ દેશો દ્વારા ઊભરતાં બજારો અને વિકાસશીલ દેશોમાં માળખાકીય સુવિધાઓ અને ટકાઉ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે ડેવલપમેન્ટ બેંકની સ્થાપવામાં આવી છે. ભારતીમાં તેનું પ્રાદેશિક કાર્યાલય ગિફ્ટ સિટીમાં આવેલું છે.