ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠક યોજાઈ, આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનારને ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા વિઝન-૨૦૩૦ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ એક્શન પ્લાનના આધારે આગામી પાંચ વર્ષમાં પોલીસ,આરટીઓ, માર્ગ નિર્માણ વિભાગો, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યા ૫૦ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
૮૨ બ્લેક સ્પોટ ખાતે છેલ્લા એક વર્ષમાં એક પણ અકસ્માત થયો નથી
બેઠકમાં પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ તેમજ સ્ટેક-હોલ્ડર વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેક સ્પોટ ખાતે છેલ્લા એક વર્ષમાં એક પણ અકસ્માત થયો નથી. સાથે જ, રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મોતના માર્ગ? માર્ગ અકસ્માતને કારણે દરરોજ 22 લોકોના મૃત્યુ
રાજ્યમાં થતા અકસ્માતોને ઘટાડવા એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક વિભાગની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટને શોધીને તેને ઘટાડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આવા અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરવા તેમણે સૂચન કર્યું હતું.
વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાનહાની થઇ હોય તેવા મોટાભાગના અકસ્માતોમાં વાહન ચાલકે હેલ્મેટ ન પહેરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતમાં જાનહાની ઘટાડવા માટે આગામી સમયમાં નાગરિકોને હેલ્મેટના મહત્વને સમજાવવાના આશય સાથે રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. આ ઉપરાંત રાજ્યભરના મુખ્ય હાઈવે પર થતા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે પ્રધાને રોડ પર દેશ-વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: Sabarkantha Road Accident: ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
રાજ્યમાં ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે
પ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને હવેથી રાહવીર યોજના હેઠળ રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભારત સરકારની સૂચના અનુસાર કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે, જેમાં અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગોલ્ડન અવરમાં સારવાર આપી અકસ્માત પીડિતને મૃત્યુના મુખમાંથી ઉગારવાનો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલ્સને એમ્પેનલ કરવામાં આવશે. પીડિતના સારવાર ખર્ચની રકમ હોસ્પટલને સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે. આ યોજનાના ઝડપી અમલ માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અભ્યાસ અર્થે પાયલોટ પ્રોજેકટ હેઠળના રાજ્યોની મુલાકાત લેશે, તેમ પણ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.