ગુજરાતમાં રસ્તા-પુલોના સમારકામની ગુણવત્તા ચકાસવા CM ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ…

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમ જ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરમ્મતોના કામોની સમીક્ષા સી. એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે હાથ ધરી હતી.
પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા ટકોર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ નહીં રહે તેના સુનિશ્ચિત કરીએ. તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહનવ્યવહાર યોગ્ય થાય એટલું જ નહીં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જનતાને કોઈ તકલીફ પડે નહીં એનું ધ્યાન રાખો
મુખ્ય પ્રધાને આ બેઠકમાં ઈજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે, નાની-નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે તેમ જ જાહેર જનતાને કોઈ તકલીફ નહીં પડે તેવા ધ્યેય સાથે મરમ્મત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, માર્ગ-મકાન વિભાગના 24X7 કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઇલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે.
સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી કરવા સૂચના
મુખ્ય પ્રધાને જે મરામત કામો હાથ ધરાય તેનું સતત મોનિટરિંગ અધિકારીઓ, સંબંધિત મહાનગરો તથા જિલ્લા તંત્રવાહકો દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન વિભાગે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જે પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે તેના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી થાય અને મરમ્મત કામમાં ક્વોલિટી જળવાય તેની ખાતરી કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરમ્મત કામ માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી. આવા પુલો પરના વાહનવ્યવહારને જો ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તો વૈકલ્પિક રૂટ પણ સેઈફ એન્ડ સિક્યોર હોય અને વાહનોની અવર-જવરને કારણે ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ ચકાસી લેવા ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું.