Gujarat સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટીની કિંમતોમાં થઇ શકે છે ઘટાડો, જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાત(Gujarat) સરકારે મધ્યમ વર્ગના લોકોને પ્રોપર્ટીની ખરીદીમાં લાભ મળે તે હેતુથી મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો નિર્ણય કર્યો છે.
60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે
આ ઉપરાંત D-1 કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-૨ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.
ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના D-૧ અને D-૨ કેટેગરીના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.
આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.
વિવિધ રજુઆતોનાઅભ્યાસ બાદ નિર્ણય
મુખ્યમંત્રી સમક્ષ એવી પણ રજુઆતો આવી હતી કે, વર્ષ 2018 ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા 40 ટકા કપાતના ધોરણો ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ 40 ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
બિન-ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો
તેથી હવે રાજ્યના D-1 અને D-2 કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિન-ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.