Gujarat માં 19 વર્ષ જૂના જમીન કૌભાંડ કેસમાં નિવૃત IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર
અમદાવાદ : ગુજરાત(Gujarat)કેડરના નિવૃત આઈએએસ અધિકારી અને વર્ષ 2001ના વિનાશક ભૂકંપ દરમ્યાન કચ્છના કલેકટર રહેલા પ્રદીપ શર્માને અમદાવાદની ગ્રામ્ય અદાલતે એન્ટી કરપશન બ્યુરોમાં નોંધાયેલા સરકારી હોદાનો દુરુપયોગ કરીને પરિવારને આર્થિક લાભ અપાવવાના આરોપમાં કસુરવાર ઠેરવ્યા છે. જ્યારે અન્ય બે કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જયારે તત્કાલીન નિવાસી નાયબ કલેકટર ફ્રાન્સિસ સુએરા અને તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈને નામદાર કોર્ટે પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે.
એન્ટી કરપ્શન બ્યૂરોએ શર્માની ધરપકડ કરી હતી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી જમીનને એક ખાનગી કંપનીને ફાળવી, અંગત લાભ મેળવવા મામલે કેસ ચાલી જતાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તેમને કોર્ટે એસીબીની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા છે.
સસ્પેન્ડેડ અધિકારી શર્મા સામે અંજારના વરસામેડી ગામમાં આવેલી વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને હોદાનો દુરુપયોગ કરીને જમીન ફાળવી હતી. તેના બદલામાં તેમની પત્નીને વર્ષ 2004માં આ કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂપિયા 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ શર્માની ધરપકડ કરી હતી.
જમીન બિન-ખેતી કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં ગાંધીધામના ચુડવા ગામની રોડટચ જમીન પરના કથિત દબાણને નિયમભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની સીઆઈડીમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજીયા ડુંગરની તળેટીમાં જથ્થાબંધ બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદો બાદ વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
શર્મા વિરુદ્ધ એક બાદ એક સેંકડો એફઆઈઆર દાખલ
આ ઉપરાંત ભુજની પાલારા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન વાપરવા બદલ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દોઢ દાયકાથી કાયદાકીય સંઘર્ષનો સામનો કરી રહેલા શર્માની ભુજમાં કલેક્ટર તરીકે જમીન ફળવવાના કેસમાં પહેલી વખત 6 જાન્યુઆરી 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર હતા. ત્યારબાદ 8 જાન્યુઆરી 2010ના રોજ તેમને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા હતા. વર્ષ 2008 માં પહેલી વખત એફઆઈઆર બાદ શર્મા વિરુદ્ધ એક બાદ એક સેંકડો એફઆઈઆર દાખલ થઇ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સપ્તાહમાં જાહેર થવાની શક્યતા
સજાની જાહેરાત હવે પછી કરવામાં આવશે
રસાયણ શાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999 માં આઈએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યારબાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા.આ કેસના સંદર્ભે આજે ચુકાદો જાહેર કરાયો છે જો કે સજાની જાહેરાત હવે પછી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.