‘બૌદ્ધ ધર્મ અલગ છે, હિન્દુઓએ ધર્મ પરિવર્તન માટે પરવાનગી લેવી પડશે’ ગુજરાત સરકારનો પરિપત્ર
ગાંધીનગર: ગુજરાત સરકારે ધર્મ પરિવર્તન(Conversion) અંગે એક મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે. પરિપત્ર મુજબ બૌદ્ધ ધર્મ(Baudhism)ને હિંદુ ધર્મ(Hinduism)થી અલગ ગણવો જોઈએ અને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન અને શીખ ધર્મમાં કોઈપણ ધર્માંતરણ માટે ગુજરાત ફ્રિડમ ઓફ રીલીજીયન એક્ટ, 2003ની જોગવાઈઓ હેઠળ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની માંગ કરતી અરજીઓ પર નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવતી નથી તે સરકારના ધ્યાન પર આવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે નાયબ સચિવ (ગૃહ) વિજય બધેકા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં દર વર્ષે દશેરા અને અન્ય તહેવારો પર યોજાતા કાર્યક્રમોમાં હિંદુઓ ખાસ કરીને દલિતો બૌદ્ધ ધર્મ અપનાવતા હોય છે.
પરિપત્રમાં જણાવાયું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ મનસ્વી રીતે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમનું અર્થઘટન કરી રહી છે. પરિપત્ર મુજબ “…એવું ધ્યાને આવ્યું છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની પરવાનગી માંગતી અરજીઓમાં નિયમો મુજબની પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. તદુપરાંત, કેટલીકવાર, અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી રજૂઆતો પ્રાપ્ત થાય છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્મ પરિવર્તન માટે, પૂર્વ પરવાનગીની જરૂર નથી.”
પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે “ધર્મપરિવર્તન માટેની પૂર્વ પરવાનગી મેળવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ આવી અરજીઓનો એવું કારણ નિકાલ કરે છે કે બંધારણની કલમ 25(2) હેઠળ શીખ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેથી અરજદારે ધાર્મિક પરિવર્તન માટે પરવાનગી લેવાની જરૂર નથી.”
પરિપત્ર મુજબ “એવું પણ સંભવ છે કે કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કર્યા વિના ધાર્મિક પરિવર્તન જેવા સંવેદનશીલ વિષયમાં અરજદારોને આપવામાં આવેલા જવાબોને બાબતે ન્યાયિક કેસ થઇ શકે છે.”
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે “ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના સંદર્ભમાં, બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ ગણવો. એક્ટ મુજબ, જે વ્યક્તિ બીજાને હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ/શીખ ધર્મ/જૈન ધર્મમાં પરિવર્તિત કરી રહી છે તેણે નિયમ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી પડશે. ઉપરાંત, જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી રહી છે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટને નિયત ફોર્મેટમાં જાણ કરવાની રહેશે.”
જિલ્લા મેજિસ્ટ્રેટોને કાયદાકીય જોગવાઈઓનો વિગતવાર અભ્યાસ કર્યા પછી અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરીને ધર્મ પરિવર્તનની અરજીનો નિર્ણય લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દલિતોમાં બૌદ્ધ ધર્મ અપનાવવાતા હોવાના કિસ્સા બને છે. એક્ટ મુજબ ધર્મગુરુ જેની આગેવાની હેઠળ ધર્માંતરણ થશે તેના દ્વારા ધર્મ પરિવર્તનની ઘટનાના એક મહિના પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને ફોર્મ સબમિટ કરવાનું રહેશે કે. ફોર્મમાં ધર્માંતરણ કરી રહેલા લોકોના નામ, સરનામું, સમુદાય, તે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની છે કે કેમ, વૈવાહિક સ્થિતિ, વ્યવસાય, માસિક આવક, વ્યક્તિ જે ધર્મમાંથી ધર્માંતરણ કરી રહ્યો છે એ ક્યારથી અનુસરી રહ્યો છે, ધર્માંતરણ માટેના કારણો, ધર્માંતરણની ઘટનાનું સ્થળ અને તારીખ અને જેઓ ધર્માંતરણ કરાવશે એ ધર્મગુરુનું નામ વગેરે વિગતો આપવાની રહેશે.
એક અહેવાલ મુજબ વર્ષ 2023માં ગુજરાતમાં 2,000થી વધુ લોકોએ, મુખ્યત્વે દલિતો, બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ, ગુજરાતમાં 30,483 બૌદ્ધો છે – જે રાજ્યની વસ્તીના 0.05 ટકા છે. ગુજરાતમાં બૌદ્ધોએ દલીલ કરી છે કે આ બૌદ્ધોની વાસ્તવિક સંખ્યા નથી કારણ કે વસ્તી ગણતરી અધિકારીઓ તેમની હિંદુ તરીકે નોંધણી કરે છે.