ગુજરાતની 'ટ્રિલિયન ડોલર'ના અર્થતંત્ર તરફ આગેકૂચઃ ભૂપેન્દ્ર પટેલે 6 પ્રદેશ માટે 'રિજનલ આર્થિક માસ્ટર પ્લાન'નું કર્યું અનાવરણ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતની ‘ટ્રિલિયન ડોલર’ના અર્થતંત્ર તરફ આગેકૂચઃ ભૂપેન્દ્ર પટેલે 6 પ્રદેશ માટે ‘રિજનલ આર્થિક માસ્ટર પ્લાન’નું કર્યું અનાવરણ

છ રિજનલમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ

ગાંધીનગરઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવાના અને વિકસિત ભારત @2047ના વિઝનમાં અગ્રેસર રહેવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ શ્રેણીની પ્રથમ કોન્ફરન્સમાં એક ઐતિહાસિક પગલું ભર્યું હતું. મુખ્ય પ્રધાને રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન (રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન)નું અનાવરણ અને લોકાર્પણ કર્યું હતું

ગુજરાતના ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્વના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. આ પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ થાય છે.

આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ અબજ ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩)ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે. ગુજરાત ટ્રિલિયન ડોલરના અર્થતંત્રભણી આગેકૂચ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન

આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાન હેઠળ ૫૦૦થી વધુ પ્રોજેક્ટ્સમાં ૧૫ લાખ કરોડથી વધુના જાહેર અને ખાનગી મૂડીરોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. આર્થિક વૃદ્ધિનો લાભ યુવાનોને મળે તે સુનિશ્ચિત કરવા માટે, દરેક પ્રદેશમાં ઉદ્યોગના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપિત કરાશે. આ યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના યુવાનો માટે અંદાજિત ૨૮૦ લાખ નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે. આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે:

  • એડવાન્સ મેન્યુફેક્ચરિંગ: ઇલેક્ટ્રિક વાહનો (EVs), બેટરી સ્ટોરેજ, મરીન કેમિકલ્સ, બાયોલોજિક્સ, ઔદ્યોગિક સિરામિક્સ અને બાયોફ્યુઅલ જેવા ભવિષ્યના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે મૂલ્ય વૃદ્ધિ અને ટેક્નોલોજી-આધારિત નવીનતા દ્વારા સંચાલિત થશે.
  • સર્વિસ સેક્ટર: ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૫૧% સુધી વધારવાનું લક્ષ્ય છે. GCC, ક્લિનિકલ રિસર્ચ, લોજિસ્ટિક્સ, પ્રોડક્ટ ડિઝાઇન અને BFSI (બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને વીમો) જેવી નવી સેવાઓ દ્વારા કુશળ નોકરીઓમાં વધારો થશે.
  • પ્રવાસન: મેડિકલ વેલ્યુ ટ્રાવેલ, હેરિટેજ ટુરિઝમ, ઇકો-ટુરિઝમ, ક્રૂઝ ટુરિઝમ અને આધ્યાત્મિક તેમજ વેલનેસ ટુરિઝમ જેવા નવા માર્ગો દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન મળશે.
  • બ્લુ ઇકોનોમી: ગુજરાતના ૨૨૪૦ કિ.મી. લાંબા દરિયાકિનારે પોર્ટ લોજિસ્ટિક્સ, શિપ બિલ્ડિંગ, માછલી પ્રોસેસિંગ અને નિકાસ, દરિયાઈ પ્રવાસન અને મરીન ઇનોવેશનમાં રોકાણ દ્વારા માછીમાર સમુદાયને સશક્ત બનાવવામાં આવશે અને નવી નોકરીઓનું સર્જન થશે.
  • ગ્રામ્ય અર્થતંત્ર અને ટકાઉ વિકાસ: એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી ઉદ્યોગ એગ્રિટેક અને ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનો (રેડી-ટુ-ઈટ ફૂડ્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ) પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામ્ય અર્થતંત્રમાં મૂલ્યવર્ધન લાવશે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટકાઉપણાના એજન્ડાને આગળ ધપાવશે.

આ વિકાસ યોજનાના મૂળમાં સુદ્રઢ માળખાગત સુવિધાઓનો વિકાસ છે. આગામી ૨૨ વર્ષમાં, કોસ્ટલ રેલવે, હાઇ-સ્પીડ આંતર-રાજ્ય રેલ કોરિડોર અને સી-લિંક પ્રોજેક્ટ્સનો અમલ થશે, એરપોર્ટનું વિસ્તરણ થશે અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ માટે નવા કાર્ગો ટર્મિનલ અને કોલ્ડ ચેઇન સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો: વર્ષ 2026માં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડશે, અમેરિકી ટૅરિફને કારણે ભારત સામે વધુ પડકારોઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ઑફ ટ્રાન્સફોર્મેશન (જીઆરઆઈટી)ની કચેરીનું ઉદ્ઘાટન ૧૯ જુલાઈ, ૨૦૨૫ના ગાંધીનગર ખાતે કર્યું હતું. રાજ્યના પ્રાદેશિક ધોરણે આર્થિક વિકાસ થકી વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે ગ્રીટ ‘થિંક ટેન્ક’ તરીકે કાર્યરત છે. જીઆરઆઈટી ડેટા આધારિત નીતિગત નિર્ણયો અને વિકાસ યોજનાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરીને ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનમાં ગુજરાતને અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button