આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં મે મહિનામાં મેઘમહેર: સામાન્યથી 20 ટકા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મે મહિનામાં સામાન્ય કરતાં 20 ગણો વધારે વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનામાં 2.5 મિમી વરસાદ પડતો હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 50.6 મિલિ મીટર (મિમી)થી વધારે વરસાદ નોંધાયો હતો. આમ આ મહિને 20 ગણો અથવા 1925 ટકા વધારે વરસાદ નોંધાયો છે. જે મહારાષ્ટ્ર અને ગોવા કરતાં પણ વધારે છે. મહારાષ્ટ્રમાં સામાન્યના 11.3 મિમીની સરખામણીએ અત્યાર સુધીમાં 149.7 મિમીથી વધારે અને ગોવામાં સામાન્યના 43.1 મિમીની સરખામણીએ 556.1 મિમી વધુ વરસાદ નોંધાયો હતો. દરિયાકાંઠાના આ ત્રણેય રાજ્યોમાં 1000 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત માટે, મે મહિનો ઘણીવાર સૌથી ગરમ હોય છે અને નૈઋત્યના ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થાય છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, 27 મે સુધીમાં અમરેલીમાં 117 મિમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ વલસાડમાં 104 મિમી, ડાંગમાં 102 મિમી, ભરૂચમાં 98 મિમી અને જૂનાગઢમાં 96 મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,678 ટકા વધુ વરસાદ નોંધાયો હતો અને બાકીના ગુજરાતમાં 1,115 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદનું નિકોલ સામાન્ય વરસાદમાં બન્યું જળબંબાકાર: ગરમીમાંથી નાગરિકોને મળી મુક્તિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય કરતાં આ સૌથી મોટો ફેરફાર છે. રાજ્યમાં 2021માં મે મહિનામાં સારો વરસાદ થયો હતો, તે સયે સરેરાશ 2 મિમી સામે 1419% વરસાદ નોંધાયો હતો. પરંતુ આ સિવાય નોંધપાત્ર વરસાદના કોઈ મોટા કિસ્સાઓ બન્યા નથી. અરબ સમુદ્રમાં બનેલી સિસ્ટમના કારણે મે મહિનામાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button