આપણું ગુજરાત

ચિંતાની વાતઃ ગુજરાતમાં 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ

અમદાવાદઃ એકબાજુ ગુજરાતના એક વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જ્યારે બીજી બાજુ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓ કોરાકટ રહ્યા છે અથવા તો થોડાં જ ભીંજાયા છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લામાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં 12મી જુલાઈ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર 57 તાલુકા હતા. ગત વર્ષે 63 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે.

ગુજરાતમાં વરસાદની ઘટ

રાજ્યના 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ વખતે 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સીઝનનો 112 ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે માત્ર 35 ટકા જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ, અરવલ્લી, મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદની ઘટ છે.


રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ

ઝોન પ્રમાણે કચ્છમાં ગતવર્ષે સિઝનનો 112 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે આ વખતે ત્યાં 35 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ સૌથી સામાન્ય છે. ઉત્તર ગુજરાતમાં 5.20 ઈંચ સાથે સિઝનનો 18.13 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.41 ઈંચ સાથે સિઝનનો 16.69 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દાહોદમાં સૌથી ઓછો 3.39 ઈંચ જ્યારે વલસાડમાં સૌથી વધુ 25.14 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં

છેલ્લા વર્ષોમાં 12મી જુલાઈ સુધી 2020માં 10 ઈંચ, 2021માં 5.85 ઈંચ, 2022માં 14.23 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સ્થિતિએ 12મી જુલાઈ સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં આ બીજું સૌથી નબળું વર્ષ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button