ગુજરાતમાં સતત ચોથા વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ: ચાલુ વર્ષે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં સતત ચોથા વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ: ચાલુ વર્ષે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જણાવાયું હતું. ગુજરાતમાં સતત ચોથા વર્ષે સિઝનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો.

સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજી ચોમાસું યથાવત, આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૯૭.૭૨ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૯ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી પાંચ દિવસ ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરી હતી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં પાંચ દિવસ 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વરસાદે ભારે તારાજી સર્જી; રસ્તાઓ-પુલો વહ્યા, 15ના મોત, 16 લાપતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૮ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button