રિયલ એસ્ટેટ રોકાણમાં 5 જિલ્લાનો દબદબો, રૂ. 5.03 લાખ કરોડનું રોકાણ આવ્યું

અમદાવાદ: વર્ષ ૨૦૧૭ માં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) ના અમલીકરણ પછી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૫.૦૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષ્યું છે. જોકે, આ રોકાણનો ૯૪ ટકા હિસ્સો ફક્ત પાંચ જિલ્લાઓમાં કેન્દ્રિત છે: અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ, જે મુખ્યત્વે ઝડપી શહેરીકરણ, સારી માળખાગત સુવિધાઓ અને રહેઠાણ અને વાણિજ્યિક જગ્યાઓના કારણે રહેઠાણ માટે લોકપ્રિય બન્યા છે.
તેનાથી વિપરીત, બાકીના 28 જિલ્લાઓ, જ્યા ગુજરાતની લગભગ બે તૃતીયાંશ (64 ટકા) વસ્તી રહે છે, તેમને કુલ રોકાણના માત્ર 6 ટકા રોકાણ મળ્યું છે. જોકે, નિષ્ણાતોએ સંસાધન કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે અને ગુજરાતના નાના શહેરોમાં વધુ સમાન માળખાકીય વિકાસની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે, જુઓ લિસ્ટ…
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, આ પાંચ શહેરી કેન્દ્રો રાજ્યના કુલ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સના 86 ટકા અને કુલ હાઉસિંગ યુનિટ્સના 89 ટકા હિસ્સો ધરાવે છે.
એકલા અમદાવાદમાં જ રૂ. ૨.૧ લાખ કરોડ એટલે કે, કુલ રોકાણના ૪૨ ટકા જેટલું રોકાણ આવ્યું છે, જેનાથી રાજ્યની રિયલ એસ્ટેટ રાજધાની તરીકે તેનું સ્થાન મજબૂત બન્યું છે. નોંધાયેલા પ્રોજેક્ટ્સમાં ૩૧ ટકા અને અને તમામ હાઉસિંગ યુનિટ્સમાં ૩૫ ટકા હિસ્સો માત્ર અમદાવાદનો જ છે. ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે, ઝડપી માળખાગત વિકાસ અને રોજગાર સર્જનને કારણે અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.
આ પણ વાંચો: રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરાયા…
જોકે, રાજ્યનો વિકાસ શહેરી કેન્દ્રો સુધી મર્યાદિત રહ્યો છે, જે ઘણા અંશે જોવા પણ મળે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા આધારે, ગુજરાતની વસ્તીના માત્ર ૩૬ ટકા લોકો તેના ટોચના પાંચ જિલ્લાઓમાં રહે છે, જે રાજ્યની રિયલ એસ્ટેટ પ્રવૃત્તિનો મોટો હિસ્સો ધરાવે છે. બાકીના 64 ટકા, નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા છે, જ્યાં રોકાણ અને પ્રોજેક્ટ પ્રવૃત્તિનો માત્ર એક અંશ જોવા મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેરાનો અમલ થયો ત્યારથી ગુજરાતમાં 13.11 કરોડ ચોરસ મીટર ક્ષેત્રફળમાં 15,260 પ્રોજેક્ટ્સનું રજીસ્ટ્રેશન થયું છે. જે 18.20 લાખ રેસિડેન્સિયલ યુનિટના બરાબર થાય છે. તેમાંથી 8,400થી વધુ પ્રોજેક્ટ્સ પુર્ણ પણ થયા છે.