ગુજરાત કેટલું સલામત! દર વર્ષે બે હજારથી વધુ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોલકત્તામાં બનેલી બળાત્કાર અને હત્યાની ઘટના બાબતે આક્રોશ ફેલાયો છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠ્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ મહિલાઓ સલામત નથી. દર વર્ષે દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર બળાત્કારની ઘટનાઓ બને છે. રાજ્યમાં ત્રણ વર્ષમાં બળાત્કારની કુલ 6524 ઘટનાઓ બની છે. આ બધા નોંધાયેલા કેસ છે, આ ઉપરાંત ન નોંધાયેલા કેસ વધુ હોઈ શકે છે.
પાંચ વર્ષમાં મહિલાઓ પર અત્યાચારના 23,117 કેસો નોંધાયા:
ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચાર અંગે સ્થિતી ચિંતાજનક છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકર્ડ મુજબ ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં.
ત્રણ વર્ષમાં બળાત્કારની કુલ 6524 ઘટનાઓ:
સલામત કહેવાતા ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો વચ્ચે મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં બળાત્કારની કુલ 6524 ઘટનાઓ બની હતી જેમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 ઘટનાઓ બની છે.
ત્રણ વર્ષમાં અત્યારચારની કુલ 23117 ઘટનાઓ:
જ્યારે મહિલા અત્યારચારની કુલ 23117 ઘટનાઓ બની હતી જેમાં વર્ષ 2020-21માં 8024, વર્ષ 2021-22માં 7348 અને વર્ષ 2022-23માં 7731 અત્યારચારની ઘટનાઓ બની હતી.
મહિને 181થી વધુ બળાત્કારની ઘટનાઓ:
ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6,524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. ગુજરાતમાં મહિને 181 જેટલી બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. આમ રાજ્યમાં દરરોજ સરેરાશ છ બલાત્કારની ઘટના નોંધાઈ છે.
સામૂહિક બળાત્કારની ઘટનાઓમા વધારો:
આ ઉપરાંત ગુજરાતમાં સામૂહિક બળાત્કારની ઘટનાઓમા વધારો નોંધાઈ રહ્યો છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સરેરાશ મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે.
બળાત્કારના આરોપી પકડવાના બાકી:
રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમા તો વધી રહી છે જેની સામે આરોપીઓને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. ખુદ ગૃહ રાજ્ય વિભાગે વિધાનસભામાં બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી હોવાનુ કબૂલ્યુ છે. જેમાં67 આરોપી તો છ મહિનાથી ફરાર છે જયારે 63 આરોપી એક વર્ષથી, 64 આરોપી બે વર્ષથી પકડાતા નથી.