દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર
જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 10 જૂલાઈના રોજ આણંદ ખાતે અને 11 જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોડર્ન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો: આ માછલીને ગુજરાત સરકારે રાજ્ય માછલી તરીકે જાહેર કરી
વડાપ્રધાન = નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.
છેલ્લા 4 વર્ષોમાં વાર્ષિક 8.38 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન
ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.38 લાખ મેટ્રિક ટન રહ્યો છે.
આ પણ વાંચો: લો બોલો, આ દેશના નાળાઓમાં પણ રંગબેરંગી માછલીઓ જોવા મળે છે…
વર્ષ 2022-23માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,03,000 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 1,94,422 મેટ્રિક ટન થયું હતું. છે. આમ, વર્ષ 2022-23માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2023-24 માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,02,050 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,13,140 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,15,190 મેટ્રિક ટન થવાની સંભાવના છે.
વર્ષ 2023-24માં ગુજરાતના ₹61 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી
મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલોજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.
આ પણ વાંચો: છે માછલી પણ કહેવાય દરિયાઈ ઘોડા
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ ₹286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ ₹61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે.
મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સપ્તરંગી કલકલિયો KING FISHER માછલી પકડવાનો બેતાજ બાદશાહ છે
ગત વર્ષે 21 અને 22 નવેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની “ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં 27 જાન્યુઆરીના રોજ કચ્છમાં કોટેશ્વર ખાતે રાષ્ટ્રીય કક્ષાની “નેશનલ કોન્ફરન્સ ઓન સી વીડ કલ્ટીવેશન 2024″ પણ આયોજિત કરવામાં આવી હતી.