National Milk Day: દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને! AMULએ સર્જી શ્વેત ક્રાંતિ
અમદાવાદ: આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ ઉપલબ્ધ હોવાથી દૂધને એક શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. દૂધની મહત્વતાને ઉજાગર કરવા, ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે.
ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને
દેશની સાથે-સાથે ગુજરાત પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં સમગ્ર દેશના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 8.46 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે, જેની સામે આ સમયગાળા દરમિયાન ગુજરાતના દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે, સરેરાશ 10.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.49 ટકાના યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે.
Also read: Ahmedabad: આંબલી-બોપલ રોડ અકસ્માતમાં ચાર પોલીસકર્મી સામે કાર્યવાહી…
ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતામાં વધારો
ગુજરાતના દૂધ ઉત્પાદનમાં વધારો થતાં, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતામાં પણ છેલ્લા વર્ષોમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2000-01માં ગુજરાતની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા માત્ર 291 ગ્રામ પ્રતિ દિવસ હતી. વર્ષ 2022-23માં સમગ્ર દેશની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 459 ગ્રામ પ્રતિ દિવસ સુધી પહોંચી છે, ત્યારે ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતા 670 ગ્રામ પ્રતિ દિવસ થઇ છે.
પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતું અમૂલ ફેડરેશન
ગુજરાતમાં દૂધઉત્પાદન અને પશુપાલકોની સફળતામાં અમૂલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વર્ષ 1973માં માત્ર 6 સભ્ય સંઘો અને રૂ. 49 કરોડના ટર્નઓવર સાથે શરુ થયેલું અમૂલ ફેડરેશન હાલ ગુજરાતમાં 18 સભ્ય સંઘો ધરાવે છે. આ સંઘોના માધ્યમથી અમૂલ પ્રતિદિન રાજ્યભરમાંથી 3 કરોડ લીટરથી પણ વધુ દૂધ એકત્રિત કરે છે અને તેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી અમૂલ તેનું ભારતભરમાં તેમજ 50 જેટલા વિવિધ દેશોમાં પણ વેચાણ કરી રહ્યું છે.
Also read: અમદાવાદના બોપલમાં અકસ્માત કરનારા આરોપીની લાઈફસ્ટાઈલ જાણો, કોઈ મનોરોગી માનશે નહીં!
પશુપાલકોને IVFને પ્રોત્સાહન
આ ઉપરાંત ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુઓ થકી વધુમાં વધુ પશુઓ બચ્ચાને જન્મ આપી શકે તે માટે સરકાર દ્વારા પશુઓમાં પણ IVFને પ્રોત્સાહન આપાઈ રહ્યું છે. પરંતુ તેમાં પશુપાલકને થતા આશરે રૂ. 25,000ના ખર્ચ સામે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF દ્વારા કુલ મળી રૂ. 19,780 સહાય આપવામાં આવે છે. જેથી પશુપાલકો માત્ર રૂ. 5000 ખર્ચીને પશુઓમાં IVF કરાવી શકે.