ગુજરાત એસ.ટીની વધુ એક સિદ્ધિ; ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે દેશમાં પ્રથમ ક્રમે
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ઘણી સુવિધાઓ આપી રહ્યું છે. તેનો સીધો ફાયદો મુસાફરોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત એસટીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે છે.
છેલ્લા બે વર્ષમાં નિગમને 1036 કરોડની આવક
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ‘ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી. ઓનલાઈન ટિકિટોની સુવિધાના પરિણામે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બૂક કરીને એસ.ટી નિગમને કુલ રૂ. 1036 કરોડથી વધુની આવક કરાવી છે.
2010થી ઓનલાઈન રિઝર્વેશનની શરૂઆત
એસ.ટી નિગમ દ્વારા વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2011થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો Abhibus, પેટીએમ જેવી એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન એસ.ટી બસની ટિકિટ બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ- મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.
GSRTC Official app
ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કર્યા પછી એસ.ટી નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓ વધારો કર્યો છે, જેમાં વર્ષ 2015થી એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન (GSRTC Official) લોન્ચ કરવામાં આવી હતી. મુસાફરો મોબાઈલ- વેબ એપ્લિકેશન www.gsrtc.in મારફતે બૂક કરાયેલી ટિકિટોનું રિશિડ્યુલ- કેન્સલેશન તેમજ PNR સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો…CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
60 દિવસ અગાઉ ટિકિટ બુકિંગની સુવિધા
આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને તેમની મુસાફરીની ટિકિટ 60 દિવસ અગાઉ બૂક કરાવી શકશે અને જો મુસાફરીમાં જો કોઈ ફેરફાર થાય તે સમય ટિકિટની રિશિડ્યુલની સુવિધા વિનામૂલ્યે મુસાફરોને નિગમ દ્વારા આપવામાં આવે છે, જે સ્થળે નિગમનું બસ સ્ટેન્ડ કે બુકિંગ કાઉન્ટર ન હોય તેવા સ્થળે મુસાફરો બુકિંગનો લાભ લઇ શકે તે માટે નિગમ દ્વારા બુકિંગ એન્જસી આપવામાં આવી છે, જેમાં નિગમ ખાતે 205 બુકિંગ એજન્ટ કાર્યરત છે.