રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો
રાજકોટ : રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો (Janmashtami) લોકમેળો યોજાવાનો છે. જેમાં સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પુર્ણ થઈ ગઈ છે. ત્યારે લોકમેળામાં સ્ટોલના ભાડાના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે.રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલના ભાડામાં 2000થી 30000 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે.
જન્માષ્ટમીના મેળાને લઈને તડામાર તૈયારીઓ
અત્યાર સુધીમાં 215 સ્ટોલ અને પ્લોટ સામે 522 ફોર્મ ભરાયા છે. હવે આગામી 3જી ઓગસ્ટના રોજ સ્ટોલ અને રાઇડસ માટેની હરાજી કરવામાં આવશે.કલેક્ટર તંત્ર દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
નિયમોથી નારાજગી ફેલાઇ
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. પ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોની આંટીઘૂંટીમાં રાઈડ ચાલકો ભરાયા છે. તેમજ આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચકડોળની ઓછી સંખ્યા સામે જીએસટી સહિતના નિયમોથી નારાજગી ફેલાઇ છે.
એન્ટ્રીગેટ રાત્રીના 11:30 વાગ્યે બંધ કરી દેવાશે
લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફાયર ફાઈટરોની સંખ્યા તથા એમ્બ્યુલન્સ વધારવા પણ નિર્ણય થયો છે. તેમજ એન્ટ્રીગેટ રાત્રીના 11:30 વાગ્યે બંધ કરી દેવાશે. જેમાં સિક્યોરિટી સ્ટાફમાં 100માંથી 125નો વધારો કરાશે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો ત્રણ-ત્રણને બદલે પાંચ-પાંચ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.