Rajkot અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો Gold મળ્યું
રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)અગ્નિકાંડમાં ગેમઝોનને મંજૂરી આપવાના કેસમાં ઝડપાયેલા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એમ.ડી. સાગઠિયાએ ભ્રષ્ટાચાર(Corruption)આદરીને કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી હતી. જેના એસીબીએ વધુ તપાસ હાથ ધરતા તેમની સીલ કરાયેલી પાલિકાની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું(Gold)મળી આવ્યું હતું. જેને એસીબીએ જપ્ત કર્યું છે.
સાગઠીયાના ભાઈના રાજકોટ અને વતનમાં પણ દરોડા પાડવામાં આવ્યા
રાજકોટના ગેમ ઝોનમાં ગેરકાયદે મંજૂરી આપવાના આરોપી એમ.ડી. સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં એમ.ડી.સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.ACBએ આ મામલે મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ભાઈના રાજકોટ અને વતનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410 ટકા વધુ સંપત્તિ મળી આવી છે.
રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ
એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર એમ.ડી. સાગઠીયાએ આ નાણાંનું રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું છે. જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.