ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ ખેંચાયો, આટલા લાખ હેકટર વાવેતર ઘટ્યું

અમદાવાદઃ આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (Rain in Gujarat) વરસયો છે. જ્યારે રાજ્યના ઉત્તર તેમજ મધ્ય-પૂર્વ ઝોનમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીફ વાવેતરમાં પોણા છ લાખ હેક્ટર જેટલો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ થાય તો ખેડૂતો વાવણી કરવાની રાહ જોઇને બેઠા છે. ડાંગર, જુવાર, મગ, મઠ, અડદ અને શાકભાજી સહિત અનેક મહત્વના પાકના વાવેતર ઉપર અસર પડી છે.
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 69.10 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર હતું તેની સામે હજુ સાર્વત્રિક વરસાદ ન થતા ચાલુ વર્ષે 22મી જુલાઇ સુધીના આંકડા મુજબ 63.28 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખરીફ સિઝનમાં ડાંગરનું મહત્તમ હાલ 48.66 ટકા વાવેતર થતું હોય છે. બાજરીનું 70 ટકા અને જુવારનું 59 ટકા વાવેતર થયું છે. કઠોળમાં મગનું વાવેતર 33.75 ટકા, મઠનું 38 ટકા, અડદનું 44 ટકા વાવેતર થયું છે. તલના વાવેતરમાં પણ ભારે ઘટાડા સાથે 33 ટકા વાવેતર, દિવેલાનું 3.24 ટકા, ગુવાર સીડનું 29 ટકા જેટલું વાવેતર થયું છે. શાકભાજીનું વાવેતર ગત વર્ષે આ સમયગાળામાં 1.77 લાખ હેકટર વિસ્તારમાં થતું હતું તે હાલ 1.68 લાખ હેકટરમાં 64 ટકા જેટલું જ થઇ રહ્યું છે.
આ પણ વાંચો : Vadodara માં ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર, મોરબીમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં ઓછો વરસાદ:
રાજ્યમાં 25મી જૂલાઈ સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબમાં કચ્છ ઝોન સિઝનનો 75.67 ટકા, સૌરાષ્ટ્રમાં 73.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.05 ટકા વરસાદ નોંધાયો છે. તેની સામે ઉત્તર ગુજરાતમાં ફક્ત 29.55 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 33.29 ટકા જ વરસાદ થયો છે. રાજ્યના આઠ તાલુકા હજુ એવા છે જેમાં 2 થી 5 ઇંચ અને 86 તાલુકામાં 5 થી 10 ઇંચ જેટલો વરસાદ થયો છે. જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતના તાલુકાઓનો તેમાં સમાવેશ થાય છે.