Gujarat મા છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેધમહેર, સિઝનનો 74.68% વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat)ચોમાસાના બીજા રાઉન્ડમાં હવામાન વિભાગે કરેલી પાંચ દિવસની ભારે વરસાદની આગાહીમાં પ્રથમ બે દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 141 તાલુકાઓમાં 1થી 13 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 74.68 ટકા વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું
ગુજરાતમાં શનિવારના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વાપીમાં 13 ઈંચ, કપરાડા અને પારડીમાં 12 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 7.6 ઈંચ અને ઉમરગાંવમાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
મધુબન ડેમના આઠ દરવાજા 1.5 મીટરે ખોલાયા
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે. ભારે વરસાદને કારણે મધુ બન ડેમમાં પાણીની આવક થતાં ડેમના આઠ દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં ઉમરપાડામાં 11 ઈંચ, ખેરગામમાં 10.8 ઈંચ, વીજાપુરમાં 8.3 ઈંચ, સોનગઢમાં 7.5 ઈંચ વરસાદ, ઉમરગામ અને છોટાઉદેપુરમાં 7-7 ઈંચ વરસાદ, વ્યારામાં 6.5 ઈંચ, માંગરોળમાં 6 ઈંચ વરસાદ, વાંસદા અને કપડવંજમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાગબારા, વઘઈ, આહવા, સુબિર અને કડીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતોં. આ ઉપરાંત રાજ્યના અન્ય 27 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ અને 85 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 74.68 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે