આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માવઠા,ગીર સોમનાથમાં દોઢેક ઇંચ વરસાદ


શિયાળાની ઋતુ બેસી ગઈ છે અને નવેમ્બર મહિનો લગભગ પૂરો થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં માવઠાની સિઝન ચાલુ થઈ છે. ગુજરાતમાં ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાના સમાચારો હતા ત્યારે ફરી ગઈકાલે રાત્રે અને આજે સવારથી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે.


ગીર સોમનાથ, સુત્રાપાડા, તાલાળા, ગોંડલ , અમરેલી જેવા ઘણા જિલ્લાઓમાં દોઢથી અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ ના તાલાળામાં 38મી.મી પાટણ વેરાવળમાં 35મી.મી, વંથલીમાં 24 મી.મી તેમજ ઊનામાં 17મી.મી વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં શિયાળો ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે .

વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડો પવન અનુભવાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. જો કે મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન ગરમ વાતાવરણ હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઘણો પલટો વર્તાઈ રહ્યો છે. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહે છે અને આગાહી મુજબ ગઇકાલ અને આજે માવઠા થયા હતા.

આ માવઠાથી અમુક ખેત પેદાશોને બાદ કરતા મોટાભાગની ખેતપેદાશોને નુકસાન થાય છે. આ માવઠાને લીધે ખેડૂતો ફરી ચિંતામાં આવી ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની મોસમમાં ભારે વરસાદ પડ્યો હતો. પહેલા તબક્કામાં ઘણા સારા વરસાદ પછી બીજા તબક્કાનો વરસાદ લંબાયો હતો જેથી ખેતીને થોડું ઘણું નુકસાન ગયું હતું. જો કે સદ નસીબે ત્રીજા તબક્કાનો વરસાદ સારો પડતા ખેડૂતોએ વાવણી ચાલુ કરી દીધી હતી.

હવે ફરી નવેમ્બર મહિનામાં માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતોએ નુકસાન વેઠવું પડે તેમ છે. આ સાથે આવા મિશ્ર વાતાવરણને લીધે હોસ્પિટલો ઋતુજન્ય રોગોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી આ વાતાવરણની અસર પહોંચી છે અને દર્દીઓની ભીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જોવા મળે છે. આ વાતાવરણ હજુ એકાદ દિવસ આ પ્રકારે રહે તેવું હાલમાં હવામાન ખાતું જણાવી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button