Gujaratમાં જુલાઈમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ નોંધાયો, ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) જુલાઇમાં પુષ્કળ વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 75 ટકા થી વધુ વરસાદ થયો છે. જેમાં ત્રણ જિલ્લાઓ પહેલાથી જ 100 ટકાને વટાવી ગયા છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 70 ટકા વરસાદ થયો છે જ્યારે પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાત પ્રદેશોમાં અનુક્રમે 43 ટકા અને 44 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરમાં પાંચ વર્ષની વરસાદની પેટર્ન અનિયમિત રહી છે. વર્ષ 2022 માં 31 જુલાઈ સુધી મોસમનો 87 ટકા વરસાદ નોંધાયો હતો.જે પાંચ વર્ષમાં સૌથી વધુ વરસાદ હતો. જ્યારે 2023 માં 35 ટકા સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે અમદાવાદમાં સામાન્યની સરખામણીમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
છ જિલ્લાઓમાં લાંબા ગાળાના વરસાદની અછત
સુરેન્દ્રનગર, ડાંગ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ – છ જિલ્લાઓમાં લાંબા ગાળાના વરસાદની સરેરાશની સરખામણી કરવામાં આવે તો તેમાં અછત છે. તેનાથી વિપરીત, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ચાર જિલ્લાઓમાં અતિશય વરસાદ છે.
તાપી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે શુક્રવારે સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ અને બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે શનિવારે સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.