ગુજરાતમાં ‘અતિભારે’ વરસાદના દિવસોમાં સતત વધારો: 1971થી બદલાઈ રહી છે ચોમાસાની પેટર્ન, કારણ શું?

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 148.14 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 108.60 ટકા વરસાદ વરસ્યો છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ હરિયાણા સાથે મળીને ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ 1971થી ગુજરાતમાં ભારે ખૂબ ભારે અને અતિભારે વરસાદના દિવસોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો.
રિપોર્ટ અનુસાર ગુજરાત અને ઓડિશા આ બંને દરિયાકાંઠાના રાજ્યોમાં અન્ય રાજ્યો (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ)ની સરખામણીએ આવી ઘટનાઓમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ગુજરાતમાં પણ 1971થી ભારે અને અતિભારે વરસાદના દિવસોની સંખ્યામાં સતત વધારો થયો હતો. પૂર્વીય દરિયાકાંઠાના રાજ્ય ઓડિશામાં પણ બંગાળની ખાડીમાંથી ભેજના વધુ પડતા પ્રમાણને કારણે સમાન વલણ જોવા મળ્યું હતું.
દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો
રિપોર્ટ મુજબ 1970 અને 1980ના દાયકામાં ગુજરાતના પૂર્વીય અને દક્ષિણી પ્રદેશોમાં મધ્યમ અને સૌથી વધુ વરસાદી દિવસો જોવા મળ્યા હતા. અન્ય જિલ્લાઓ કરતાં નવસારી અને તાપીમાં વધુ વરસાદ નોંધાયો હતો. 1981થી 1990ના વર્ષોમાં અગાઉના દાયકા જેવી જ વરસાદની પેટર્ન જોવા મળી હતી. 1990થી 2000ની વચ્ચે વરસાદની ગતિવિધિમાં બહુ તફાવત નહોતો. બંને દાયકામાં વરસાદી દિવસોની સંખ્યા સમાન હતી.
કચ્છ અને મોરબીમાં વરસાદી દિવસોમાં થયો વધારો
જોકે, 2001-2010ના દાયકામાં કચ્છ અને મોરબી જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદી દિવસો વધ્યા હોવાનું જણાયું હતું. 2011-2020માં, ગુજરાતના દક્ષિણ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ, છેલ્લા ચાર દાયકામાં અરબી સમુદ્રમાં ચોમાસાના દબાણમાં વધારો થયો છે અને બંગાળની ખાડીમાં દબાણમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત અંતરિયાળ રાજ્યો કરતાં દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો હતો. આ રિપોર્ટ ગુજરાતના 150 સ્થાનિક વરસાદ માપન કેન્દ્રો પર આધારિત હતો. અહેવાલ મુજબ, 2001-2010ના દાયકામાં તમામ શ્રેણીઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.