ગુજરાતમાં પાછોતરા વરસાદથી ખેડૂતો પરેશાન, કૃષિપાકને વ્યાપક નુકસાન

અમદાવાદ: નવરાત્રી બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આજે ઝઘડિયા, અમરેલી, સુરત, સૂત્રાપાડા અને વેરાવળ સહિત અનેક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદથી ખેતીપાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.
દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ભરૂચના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. વાતાવરણમાં તાપ અને બફારા બાદ તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરત શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના અડાજણમાં ભારે વરસાદ વરસ્યો હતો.
આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ આસો માસમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભા શહેરમાં પણ આજે વરસાદ નોંધાયો છે. તાલુકાના ભાણીયા ગામે તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભાણીયા, પીપળવા, ઉમરીયા, ગીંદરડી સહિત ગામોમાં વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત જૂનાગઢમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના માળીયા હાટીનામાં બપોરથી જ વરસાદ ખાબક્યો હતો. જ્યાં એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતાં ખરતી પાકોને ખૂબ જ નુકસાન થયું છે.
આ પણ વાંચો :Gujarat માં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં પડી રહેલા પાછતરા વરસાદને કારણે ખેતીપાકોને ખૂબ જ નુકસાન થયુ છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. સોયાબીન, મગફળી, તલ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે રાજ્યમાં હજુ બે દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવાાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાંમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.