ભારે આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ…

અમદાવાદઃ ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 37 તાલુકામાં જ વરસાદ વરસ્યો હતો. મહિસાગરના કડાણામાં 2.09 ઈંચ, નવસારીના વાંસદામાં 1.46 ઈંચ અને બનાસકાંઠાના દાંતામાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો હતો. 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ મુજબ, રાજસ્થાન પર એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે, વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 50.80 ટકા વરસાદ વરસ્યો છે.
સરકારી આંકડા મુજબ ગુજરાતમાં વરસાદની સિઝનનો કુલ 50.80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન વાઈઝ વરસાદની સ્થિતી પર એક નજર કરીએ તો, કચ્છમાં 58.46, ઉત્તર ગુજરાતમાં 47.38 મધ્ય પૂર્વમાં 48.85, સૌરાષ્ટ્રમાં 49.25, દક્ષિણ ગુજરાતમાં 54.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.
તે જ પ્રમાણે રાજ્યના 206 ડેમમાં 59.16 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં હાલમાં 52.26 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઝોન વાઈઝ સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમા 15 ડેમમાં 48.78, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 63.05, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 57.98, કચ્છના 20 ડેમમાં 55.91, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.22 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં મધ્ય ઝોનમાં બે, સાઉથમાં બે, કચ્છમાં પાંચ, સૌરાષ્ટ્રમાં 16 ડેમ સંપૂર્ણ પણે છલકાઈ ગયાં છે.
રાજ્યમાં થયેલા વરસાદને કારણે 207 ડેમમાંથી 41 ડેમમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. 22 ડેમમાં 80 ટકાથી વધુ પાણી હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 17 ડેમમાં 70 ટકાથી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 126 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી હોવાથી કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.