ગુજરાતમાં ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ 173 તાલુકામાં મેઘમહેર…

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ મજબૂત જમાવટ કરી દીધી છે, ત્યારે જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. પરિણામે વરસાદનું જોર વધ્યું છે અને તેનાથી જનજીવન પર પણ વધુ અસર થઈ છે. રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 કલાકમાં સુધીમાં 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. લખતરમાં 3.43 ઈંચ, વાવમાં 2.99 ઈંચ, કલ્યાણપુરમાં 2.99 ઈંચ, ગઢડામાં 2.95 ઈંચ, વાપીમાં 2.83 ઈંચ, સાયલામાં 2.8 ઈંચ, વલસાડમાં 2.76 ઈંચ, થરાદમાં 2.72 ઈંચ, બરવાળામાં 2.56 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
130 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ
રાજ્યમાં એક તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, 13 તાલુકામાં બે ઈંચથી વધારે, 29 તાલુકામાં એક ઈંચથી વધારે અને 130 તાલુકામાં એક ઈંચથી વધારે મેઘમહેર થઈ હતી.
રાજ્યમાં સિઝનનો કુલ 38.84 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 38.84 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 37.64 ટકા, ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા, પૂર્વ મધ્યમાં 38.87 ટકા, સૌરાષ્ટ્રમાં 39.75 ટકા, દક્ષિણ ગુજરાતમાં 40.93 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં વરસાદને લઈ અત્યાર સુધીમાં કુલ 3703 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 676 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા સુરત, કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ, ડાંગ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.