Gujarat માં આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની વિદાય વચ્ચે ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નવરાત્રિને હવે ચાર જ દિવસ બાકી છે ત્યારે વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમા વરસાદની અગાહી
આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે સુરત, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, હળવાથી મધ્યમ વરસાદ આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની અગાહી
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લામાં વરસાદ
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાઓના 186 તાલુકામાં વરસાદની હાજરી નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપીના ડોલવણમાં ચાર ઈંચ જ્યારે સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ તેમજ સાબરકાંઠાના તલોદમાં 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ભરૂચના વાગરામાં 1.5, વલસાડના વાપીમાં 1.5 જ્યારે અરવલ્લીના માલપુરમાં 1.4 ઈંચ તેમજ વલસાડના કપરાડામાં 1.42 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.30 ઈંચ અને રાજકોટના ગોંડલમાં 1.18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારીમાં અને જલાલપોરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, સુરતના મહુવામાં 1.02 ઈંચ અને સુરત શહેરમાં 1.02 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.